Rajkot Suicide: અમેરિકા-ઈરાન વચ્ચેના ખાડી યુદ્ધથી સર્જાયેલી વૈશ્વિક મંદિના કારણે રાજકોટમાં રહેતા સોફ્ટવેર એન્જિનિયરને 6 મહિનાથી કોઈ કામધંધો ના મળતા તેણે આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ જામનગરના લાલપુર ગામનો વતની અને હાલ રાજકોટના હૈદરી ચોકમાં રહેતો મુનિર ખાખી (34) નામના સોફ્ટવેર એન્જિનિયરે સવારે આઠ વાગ્યાના અરસામાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. જે બાદ પરિવાર દ્વારા તાત્કાલિક યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જાણ કરતાં થોરાળા પોલીસની ટીમ તાત્કાલિક સિવિલ પહોંચી હતી. જ્યાં પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જિંદગીમાં કંઈ રહ્યું નથી, માટે આ પગલું ભરું છુ...
મૃતકે અંતિમ પગલું ભરતા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, જિંદગીમાં કંઈ રહ્યું નથી, એટલે આ પગલું ભરું છું. જેના માટે કોઈને દોષ ના દેતા. હાલ તો પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક મૂનિર ખાખી તેના માતા-પિતાનો એકમાત્ર આધારસ્તંભ હતો. જેને સંતાનમાં એક પ્તુર છે. આજે સવારે મુનિર પત્ની સાથે પુત્રને સ્કૂલે મૂકવા પણ ગયો હતો. મુનિર વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર હતો, પરંતુ ખાડી યુદ્ધથી સર્જાયેલી મંદીના કારણે છેલ્લા 6 મહિનાથી કોઈ કામ-ધંધો ના મળતા તે બેકાર બેઠો હતો. જેના પગલે હતાશામાં તેણે ઝેરી દવા પીધા પછી ગળેફાંસો ખાઈ લીધો હતો.
