Rajkot: ગોંડલનાં નવા માર્કેટીંગ યાર્ડ પાસે જીત રેસીડેન્સી ગુરુકૃપા સોસાયટીમાં રહેતા અજય સંજયગીરી ગોસ્વામી (બાવાજી) (ઉ. વ. 31 ) સાથે ધંધામા રોકાણ અને ભાગીદારીની લાલચ આપી કરણ રાજેન્દ્ર બાલચંદાણી, તેમના પત્ની વીનસબેન અને માતા પદમાબેન સામે રૂ. 60 લાખની છેતરપીંડી ની ગોંડલ સિટી બી ડીવીઝન પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે.
ફરીયાદી અજયભાઇ ગોસ્વામીએ ફરીયાદમાં જણાવ્યુ કે, તેઓ ગુંદાળા ચોકડી પાસે અંબાજી મંદિર નામની દુકાન ભાડે રાખી આરસનાં મંદીર બનાવી વેચવાનુ કામ કરે છે. છેલ્લા બેએક વર્ષ પહેલા તેઓને કરણભાઇ સાથે સંપર્ક થયો હતો અને ત્યારબાદ તેણે મિત્રતા કેળવી હતી અને ઘરે આવ જા પણ થતી હતી.
આ પણ વાંચો
આ દરમિયાન આરોપીને જાણવા મળ્યું કે, અજયભાઇનાં પિતા હયાત નથી અને તેમની મરણમુડીનાં 39 લાખ રૂપિયા તેઓ પાસે રોકડા પડેલ છે . આથી તેમણે ધીમે ધીમે વિશ્વાસ કેળવી પરીવાર સાથે અંગત ગાઢ સબંધો રાખ્યા હતા.
જે બાદ વિશ્વાસમાં આવીને ફરીયાદી અજયભાઇએ 9 લાખનું રોકાણ કરી ગોંડલ શહેરમાં વછેરાનાં વાડામાં એકે મેન્સ એસેસરીઝ નામની દુકાન કરી આપી હતી . ત્યારબાદ કરણે આ ધંધામાં બહુ મોટો નફો છે તેવુ કહી ભાગીદારીની લાલચ આપી અને બાદમાં અલગ અલગ સમયે રૂપિયા 60 લાખ આપ્યા હતા. જેમા તેમનાં મિત્રો કાર્તીકભાઇ સાવલીયા , કીશનભાઇ લુણાગરીયાએ પણ સાથે મળી 20 લાખ રૂપિયાનુ કરણભાઇનાં ધંધામા રોકાણ કર્યુ હતુ .
જે બાદ અજયભાઇએ તેમનાં મિત્ર નીલેશ પાસેથી 8 લાખ રૂપિયા ઉછીનાં લઇ તેમને આપ્યા હતા. આમ મિત્રો પાસેથી અને પોતાના પાસે રહેલી રોકડ રકમ મળી કુલ રૂપીયા 60 લાખ કરણને રોકાણમાથી આપ્યા હતા . જે પૈસા પરત નહી કરી આરોપીઓએ છેતરપીંડી કરતા અંતે પોલીસમા ફરીયાદ નોંધાવી હતી.
