Rajkot: રાજકોટ શહેરમાં મશીનરી ખરીદવા માટે લીધેલી લોનના નામે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (Central Bank of India) સાથે રૂ. 99 લાખની છેતરપિંડીનો સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. નાગેશ્વર પાસે રહેતી એક મહિલાએ મશીનરીની લોન મેળવ્યા બાદ બેંકની શરતોનું ઉલ્લંઘન કરી, લોનની રકમ મશીનરી ખરીદવાને બદલે પોતાના અંગત ખાતામાં મેળવી લીધી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, જામનગર રોડ પર નાગેશ્વર મંદિર પાસે રાધે એવન્યુમાં રહેતા અને ત્યાંજ આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા નોકરી કરતા મહીલા અધીકારી નેહાબેન અભીનવભાઇ છાબડા (35) એ જામનગર રોડ નાગેશ્વર પાસે એપલ ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા ગાયત્રીબેન એમ. પંડયા અને ગોંડલનાં રીબડાનાં ઉમીયા ઇન્ડ. ઝોન 3મા શિવ કોર્પોરેશન પેઢી ધરાવતા હરેશભાઇ જેન્તીલાલ દવે સામે છેતરપીંડી અંગેની ફરીયાદ નોંધાવી છે.
આ પણ વાંચો
આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકનાં પીઆઇ મેઘાણીની રાહબરીમા પીએસઆઇ ટી. ડી. જાડેજા અને સ્ટાફે તપાસ શરુ કરી છે. નેહાબેને ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયામા કામ કરે છે .
હકીકતમાં ગાયત્રીબેને સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયામાં મશીનરી ટર્મ લોનની માગણી કરી હતી, જે પેટે તેઓએ રીબડામા શિવ કોર્પોરેશન પેઢીનું કોટેશન મેળવી બેંકમાં રજુ કર્યુ હતુ. તેમજ તેની સાથે અન્ય ડોકયુમેન્ટો પણ બેંકમા રજુ કર્યા હતા. જે બાદ આ ડોકયુમેન્ટનું વેરીફીકેશન કર્યા બાદ બેંક દ્વારા નિયમ મુજબ શિવ કોર્પોરેશન પેઢીનાં ખાતામા બેંકે 99 લાખ રૂપીયા જમા કર્યા હતા.
જો કે પાછળથી જાણવા મળ્યું કે, ગાયત્રીબેને બેંક દ્વારા મળેલી લોનની રકમથી શરતો મુજબ મશીનરી નહી ખરીદી શિવ કોર્પોરેશન પેઢી પાસેથી આરોપી ગાયત્રીબેને બેંક દ્વારા મળેલી લોનનાં રૂપિયા પોતાનાં એકાઉન્ટમા પરત મેળવી લઇ ગાયત્રીબેનને બેંક દ્વારા મિલ્કત ઉપરનો અધીકાર સોપ્યો હોય તે મિલ્કતનો દુરપયોગ કરવા પોતાની પાસે રાખી બંને આરોપીએ એકબીજા સાથે મીલાપીપણુ કરી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા સાથે 99 લાખની છેતરપીંડી કરતા ગાંધીગ્રામ પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી છે . આ ઘટના મામલે પોલીસે ગાયત્રીબેન પંડયા અને રીબડાની શિવ કોર્પોરેશન પેઢી ધરાવતા હરેશ દવેની શોધખોળ શરુ કરી છે.
