Rajkot: રાજકોટથી ભાગી ગયેલા સગીરા અને યુવકે બોટાદના થાક પીપળીયા ગામેથી પરત ફરતી વખતે ચાલુ બસે ઝેરી દવા પી લેતા આજે સવારે રાજકોટના આજીડેમ ચોકડીએ બસમાંથી ઉતરતા જ સગીરા ઢળી પડી હતી અને તેનું મૃત્યુ નિપજયુ હતુ. જયારે ટોળું એકઠુ થઇ જતા ત્યાંથી નાસી છૂટેલા યુવકની લાશ ભાવનગર રોડ ઉપર રાજમોતી મિલ પાસેથી મળી આવી હતી.
શહેરના ગંજીવાડા વિસ્તારમાં પડોશમાં જ રહેતા સગીરા અને પરિણિત યુવક ચારેક દિવસ પહેલા ઘેરથી નાસી ગયા બાદ સજોડે ઝેરી દવા આપઘાત કર્યાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો
Vadodara: લગ્ન પ્રસંગે આવેલી NRI મહિલાના પર્સની ચોરીનો ભેદ ઉકેલાયો, અમદાવાદના 4 આરોપીઓની ટોળકી ઝબ્બે
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરનાં ગંજીવાડામા રહેતી 17 વર્ષની સગીરાને તેની શેરીમાં રહેતો રવિ મકવાણા (33 ) ભગાડી ગયો હતો. આ મામલે સગીરાના માતા-પિતાએ થોરાળા પોલીસ મથકમા ગુમ થવા અંગે નોંધ કરાવી હતી. જે બાદ પોલીસ તેમની શોધખોળ કરી રહી હતી.
આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આજે સવારના સમયે રવિ સગીરાને લઇ બસમાં રાજકોટ આવી રહયો છે અને બન્ને આજી ડેમ ચોકડી પાસે ઉતરવાના છે. આથી સગીરાના પરિવારજનો આજી ડેમ ચોકડી પાસે પહોંચી ગયા હતા અને આ સમયે બસમાંથી નીચે ઉતરતી વેળાએ સગીરા નીચે ઢળી પડી હતી. જેથી આ જોઇ રવિ ત્યાથી ભાગી ગયો હતો. જ્યારે સગીરાને તેના માતા-પિતા સિવિલ હોસ્પિટલમાં ખેસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. તબીબોએ સગીરાએ ઝેરી દવા પીધી હોવાનુ જણાવ્યુ હતુ.
આ સાથે પરિવારજનોએ આક્ષેપો સાથે કહયુ હતુ કે, રવિ અમારી દીકરીને ભગાડી બોટાદના રાણપુર તાલુકાના થાક પીપળીયાએ રહેતા તેમના નાના-નાનીને ત્યા લઇ ગયો હતો અને આજે તેઓ રાજકોટ આવ્યા હતા.
આ ઘટના બાદ દોઢેક વાગ્યાની આસપાસ રવિ મકવાણા પણ બેભાન હાલતમાં ભાવનગર રોડ પર આવેલી રાજમોતી મિલ પાસેથી મળી આવ્યો હતો . તેને અહીની સિવિલ હોસ્પીટલમાં ખસેડાતા તેમને પણ ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યો હતો . તેમણે કોઇ ઝેરી પ્રવાહી પીધુ હોવાનુ તબીબોએ જણાવ્યુ હતુ.
પ્રાથમિક તપાસમાં રવિ મકવાણા જે બે ભાઇમાં મોટો હતો અને તેનાં 7 વર્ષ પહેલા છૂટાછેડા થઇ ગયા હતા . તેમજ તેને સંતાનમાં એક દીકરી છે અને પોતે કારખાનામાં કામ કરતો હતો. આ ઘટનામાં રાજલ અને રવિનાં મૃત્યુથી સિવિલ હોસ્પીટલે બંને પરીવારજનોનાં ટોળા એકત્રીત થયા હતા . આ સમયે ત્યા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે .
સગીરાના પરીવારજનોએ જણાવ્યુ હતુ કે, અમારી દીકરી બંગડીનાં કારખાનામાં કામે જતી હતી, પરંતુ છેલ્લા 2 મહિનાથી તેમણે કામ મુકાવી દીધુ હતુ . સગીરા બે ભાઇ 4 બહેનમા મોટી હતી અને માતા-પિતા હાલ કડીયા કામ કરે છે. બંનેનાં મૃત્યુથી પરીવારમાં શોક છવાઇ ગયો છે.
