Vadodara: લગ્ન પ્રસંગે આવેલી NRI મહિલાના પર્સની ચોરીનો ભેદ ઉકેલાયો, અમદાવાદના 4 આરોપીઓની ટોળકી ઝબ્બે

મૂળ મહારાષ્ટ્રની વતની અને હાલ લંડનમાં વસતા સુનંદાબેને સાડીની ખરીદી વખતે કાઢેલું પર્સ સાંજે હોટલમાં ગયા ત્યારે ના મળતા ચોકી ઉઠ્યા હતા. જેમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 10 Dec 2025 06:14 PM (IST)Updated: Wed, 10 Dec 2025 06:17 PM (IST)
vadodara-news-nri-woman-purse-theft-police-held-4-accused-from-maharashtra
HIGHLIGHTS
  • પોલીસે ચોર ટોળકી પાસેથી રૂ.7.13 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો
  • મુખ્ય આરોપી ભરતનો ગુનાહિત ઈતિહાસ, અમદાવાદ-ગાંધીનગર પોલીસ મથકમાં 8 ગુના નોંધાયા

Vadodara: વડોદરામાં લગ્ન પ્રસંગે આવેલી મૂળ મહારાષ્ટ્રના અને હાલ લંડનમાં વસવાટ કરતી NRI મહિલા સુનંદા માલુસરેના મરૂન રંગના પર્સની ચોરીના બનાવમાં વાડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં અમદાવાદના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ રૂ. 7.15 લાખના મુદ્દામાલ સાથે સોનાના દાગીના રીકવર કર્યા છે.

62 વર્ષીય સુનંદા માલુસરેએ વાડી પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ 2 ડિસેમ્બરે પુત્રીની નણંદના લગ્નમાં હાજરી આપવા વડોદરા આવ્યા હતા અને દંતેશ્વરની એક હોટેલમાં રોકાયા હતા.

ગત 6 ડિસેમ્બરે બપોરે તેઓ પરિવારજનો સાથે ઘડિયાળી પોળ વિસ્તારમાં ખરીદી કરવા ગયા હતા. આશરે 1.45 વાગ્યે તેઓ જયશ્રી સિલ્ક સાડી શોપે પહોંચ્યા હતા, જ્યાં સાડીઓની ખરીદી દરમિયાન તેમણે કાળા પર્સમાંથી મરૂન પર્સ બહાર કાઢ્યું હતું. જે બાદ અલગ–અલગ દુકાનોમાં ફર્યા બાદ સાંજે હોટેલ પરત આવ્યા હતા.

રાતે સામાન પેક કરતી વખતે સુનંદાને મરૂન પર્સ ન મળતાં ચોંકી ઉઠ્યા હતા. પર્સમાં સોનાનું મંગળસૂત્ર, નેકલેસ, કાનના ઝુમકા અને રૂ. 41,000 રોકડ ઉપરાંત બેંકનું ડેબિટ કાર્ડ હતું. હોટેલ અને અન્ય સ્થળોએ તપાસ કરવા છતાં પર્સ ન મળતાં તેમણે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

પીઆઇ જે.આર. ગામીતના માર્ગદર્શન હેઠળ પોલીસે બનાવવાળી જગ્યાના અને આજુબાજુના CCTV ફુટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસ ટીમોએ અમદાવાદમાં તપાસ કરીને ભરતભાઇ ઉર્ફે ગલ્લો દંતાણી, હેતલબેન માળુ, ચંદાબેન દેવીપુજક અને સુમન ઉર્ફે કાજલ દંતાણીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી સોનાનું મંગળસૂત્ર, નેકલેસ અને ઝુમકા મળી કુલ રૂ. 7.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ મુજબ આરોપીઓ નાના બાળકોને સાથે રાખીને ભીડભાડવાળી જગ્યાએ નજર ચૂકવીને ચોરી કરવા માટે કુખ્યાત છે. મુખ્ય આરોપી ભરતભાઇ દંતાણી સામે ગાંધીનગર અને અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 8 ગુના નોંધાયેલા છે, જ્યારે કાજલ દંતાણી સામે 2 અને હેતલબેન સામે 1 ગુનો દાખલ છે. પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. જેમાં અન્ય ચોરીના ગુના ના ભેદ ઉકેલવાની શક્યતા સેવાઈ રહી છે.