Rajkot: ગેમઝોન અગ્નિકાંડ બાદ TP વિભાગે આળસ ખંખેરી, સામા કાંઠે ભલામણથી ઉભા થયેલા 4 માળની 4 ઈમારતોનું ડિમોલિશન

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 10 Sep 2024 05:25 PM (IST)Updated: Tue, 10 Sep 2024 05:57 PM (IST)
rajkot-news-rmc-tp-team-demolition-drive-on-four-sotrey-building

Rajkot: શહેરના ઇસ્ટ ઝોન એટલે કે સામાકાંઠે ગેરકાયદેસર બાંધકામો ધમધમી રહ્યાંની અનેક વખત ફરિયાદો ઉઠી છે. જો કે ભલામણો અને ભ્રષ્ટ્રાચારના કારણે આ પ્રકારના બાંધકામોને ઉની આંચ આવતી નથી, પરંતુ અગ્નિકાંડ બાદ ટીપી વિભાગે આળસ ખંખેરી હોય તેમ લાગી રહ્યું છે. આજે વોર્ડ નં.5 અને 6માં અગાઉ ભલામણો આધારે પૂર્ણતાના આરે પહોંચેલા ચાર-ચાર માળીયા બાંધકામો કોઇની શેહ શરમ વગર આજે તોડી પડવાની કામગીરી હાથ ધરતા અનેક ભલામણો સાથે અધિકારીઓ સાથે માથાકૂટ થઇ હોવાની ચર્ચા જાગી હતી. આમ છતા ડિમોલિશનની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.

શહેરમાં ઇસ્ટ ઝોનમાં સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામોના ભલામણોના આધારે થઇ રહ્યાની અને થઇ ગયાની ચર્ચા કાયમી રહેવા પામી છે. જો કે ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ટાઉન પ્લાનિંગ વિભાગ બેહરુ બની ગયુ હોય તેમ કોઇની ભલામણ સાંભળતું નથી. આથી સામાકાંઠેથી ફરિયાદો ઉઠતા ઇસ્ટ ઝોન ટીપી વિભાગે આજે ચાર સ્થળે ડિમોલિશનની કામગીરી વહેલી સવારથી શરૂ કરી હતી.

જેમાં વોર્ડ નં.5માં કૈલાશધારા મેઇન રોડ પર માર્જીનની જગ્યામાં બનતુ ચાર માળનું બિલ્ડિંગ તેમજ મારૂતિ નગર 50 ફૂટ રોડ પર પણ માર્જીનની જગ્યામાં તૈયાર થયેલ 150 વારનું 4 માળનું બિલ્ડિંગ તેમજ મેહુલનગર મેઇન રોડના છેડે માર્જીનની 500 ફૂટ જગ્યા ઉપર તૈયાર થતુ પાર્કિંગ ચાર માળનું બિલ્ડિંગ સહિતના ચાર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આજે વોર્ડ નં.5 અને 6માં ચાર ઇમરતો તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવેલ. પરંતુ આ બિલ્ડિંગો તૈયાર થયા ત્યાં સુધી ટીપી વિબાગને ખબર કેમ ન પડીં તેવી ચર્ચા જાગેલ. ત્યારે અંદરના સુત્રોના જણાવ્યા મુજબ આ ચારેય બાંધકામ માટે ભલામણ આવેલ હતી. તેમજ અમુક લોકોએ આ બાંધકામ કરનાર આસામી પાસેથી મોટો તોડ ર્ક્યાનું પણ ચર્ચાઇ રહ્યું છે. છતા આજે ટીપી વિભાગે આ ભલામણ વાળા ચારેય બાંધકામો તોડી પડતા તોડબાજ શખ્સોમાં ભય વ્યાપી ગયો છે.