Rajkot: શહેરીજનોમાં વિખ્યાત મીઠાઇની દુકાનોમાંથી મીઠાઇ લેવાનો ક્રેઝ દિવસે-દિવસે વધતો જાય છે. મોંઘી મીઠાઇ હોવા છતા શુદ્ધ વસ્તુઓ મળશે, તેવું માનીને લોકો ખરીદી કરતા હોય છે. જો કે આજે શહેરના વિખ્યાત 'પટેલ પેંડાવાળા'ને ત્યાંથી ટન મોઢે મીઠાઇનો જથ્થો ફૂડ વિભાગે ઝડપી પડતા શહેરીજનોનો મોંહ આજે ભંગ થઇ ગયો છે.
તહેવારોને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ઓફિસર ડો. હાર્દિક મહેતા, ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે. સરવૈયા, કે.એમ.રાઠોડ, આર.આર.પરમાર, સી.ડી.વાઘેલા તથા ફૂડ વિભાગની ટીમ દ્વારા નાના મવા રોડ પર આવેલ પટેલ પેંડાવાલા પેઢીની તપાસ કરવામાં આવી હતી. જેના કોલ્ડ રૂમની તપાસ કરતાં તેમાં પેઢીમાં ઉત્પાદન કરેલ મીઠા માવાની પ્લાસ્ટિક પેક્ડ બેગનો જથ્થો તથા મીઠાઈનો જથ્થો મળી આવ્યો હતો.
પ્લાસ્ટિક બેગમાં પેક કરેલ મીઠા માવાની બેગ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે વિગતો છાપેલ ન હોવાનું તેમજ ફંગસ ડેવલપ થયેલ માલૂમ પડેલ તેમજ કોલ્ડ રૂમમાં સંગ્રહ કરેલ વાસી પડતર મીઠાઈ મળીને અંદાજીત 2600 કિ.ગ્રા. જથ્થો માનવ આહાર માટે યોગ્ય ન હોય પર્યાવરણ વિભાગના વાહન દ્વારા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા, પેકિંગ કરેલ ખાધ્યચીજો પર કાયદા મુજબ વિગતો દર્શાવવા બાબતે તેમજ ઉત્પાદક તરીકે ફૂડ લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ સ્થળ પરથી કેસર શિખંડ, સંગમ બરફીના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન શહેરના મોદી સ્કૂલ મેઇન રોડ- જીવરાજ પાર્ક તથા સંતકબીર રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 45 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 17 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાદ્યચીજોના કુલ 42 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ અને હાઇજેનીક તેમજ ફૂડ લાયસન્સ અંગે નોટીસ આપવામાં આવી હતી.
