Narmada: 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી ગમે ત્યારે પડી શકે છે'- સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ કરનાર ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 10 Sep 2024 04:58 PM (IST)Updated: Tue, 10 Sep 2024 04:58 PM (IST)
narmada-news-fir-against-fake-news-on-statue-of-unity

Narmada: સ્ટેચ્યૂ ઑફ યુનિટી (SOU)માં તિરાડ પડવા લાગી છે અને તે ગમે ત્યારે પડી શકે છે, તેવી પોસ્ટ મૂકીને ખોટી અફવા ફેલાવનારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના યુઝર્સ વિરુદ્ધ જિલ્લા કલેક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં 'રાગા ફૉર ઈન્ડિયા' નામના X યુઝર્સે પોતાની પોસ્ટમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી (Statue Of Unity)નો 2018નો ફોટો મૂક્યો હતો. આમ પ્રતિમા તૈયાર થયા પહેલાની તસવીરે શેર કરીને ખોટી અફવા ફેલાવતા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

હકીકતમાં ગત 9 સપ્ટેમ્બરના રોજ Raga For India નામના યુઝરે સોશિયલ મિડીયા પ્લેટફોર્મ X પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વર્ષ 2018નો બાંધકામ સમયનો એક ફોટોગ્રાફ તાજેતરનો ફોટા તરીકે ઉપયોગ કરીને “કભી ભી ગીર શકતી હૈ, દરાર પડના શુરૂ હો ગઇ” લખીને પ્રજા અને પ્રવાસીઓમાં ભય ફેલાય અને સુલેહ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લઇને તાત્કાલીક અસરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓપરેશન અને મેઇટેનન્સ સાથે જોડાયેલ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ(L&T)ના જવાબદારો પાસે આ અંગે વિગતવાર અહેવાલ આપવા સૂચના આપી હતી.

આ બાબતે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ(L&T) ના નિષ્ણાંતોએ સ્પષ્ટતા કરી હતી કે, જે તસ્વીર સોશિયલ મિડિયા પોસ્ટમાં પ્રસિદ્ધ કરાયેલ તે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાંધકામ ચાલતુ હતુ ત્યારની હતી. જેનો તાજેતરનું દ્રશ્ય હોવાના દાવા સાથે Raga For India નામના યુઝરે પ્રસિદ્ધ કર્યો છે. આ ઉપરાંત પોસ્ટમાં કરાયેલ દાવો કે, “કભી ભી ગીર શકતી હૈ, દરાર પડના શુરૂ હો ગઇ” જે સદંતર પ્રવાસીઓ અને ભારતની પ્રજાને ગેરમાર્ગે દોરનાર હતો.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંપૂર્ણ સુરક્ષિત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે કરાયેલ પોસ્ટ અને અન્ય તમામ પાસાઓ અંગે ઉચ્ચ અધિકારીઓ એ ગહન અભ્યાસ અને તમામ પાસાઓને ધ્યાને રાખીને કાયદેસરની પોલીસ ફરીયાદ કરવાનું નક્કી કર્યુ હતુ.

આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના નાયબ કલેકટર અભિષેક સિન્હાએ ગત મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી સલામતી પોલીસ સ્ટેશન ખાતે Raga For India નામના યુઝર સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 353(1)(B) હેઠળ સરકાર તરફે ફરિયાદ દાખલ કરી છે.