Rajkot: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 3,000થી વધુ જર્જરિત મકાનો અને આવાસોને નોટિસ પાઠવવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન સંભવિત દુર્ઘટનાઓને ટાળવાનો છે. RMC દ્વારા સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં આવેલા આવા ભયગ્રસ્ત બાંધકામોના માલિકોને નોટિસો આપી જર્જરિત ભાગો દૂર કરવા અથવા બાંધકામ મજબૂત કરવા સુચના આપી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં સર્વે કરીને ભયગ્રસ્ત મકાનોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી મુજબ કુલ 3,016થી વધુ મકાનોને નોટિસ આપવામાં આવી છે, જેમાં સરકારી ક્વાર્ટર પણ સામેલ છે.
જર્જરિત બાંધકામોની ઝોનવાઈઝ વિગતો જોઈએ તો સેન્ટ્રલ ઝોનમાં 595 મિલકતો પૈકી 546 મિલકતોને નોટિસ પાઠવવામાં આવી છે. અને બાકીની લગભગ 50 જેટલી મિલકતોને નોટિસ આપવાની કામગીરી ચાલી રહી છે.
જ્યારે વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 2,408 મિલકતોને નોટિસ આપવામાં આવી છે. તો ઇસ્ટ આ ઝોનમાં 58 મિલકતો જર્જરિત હોવાથી તમામને નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસોમાં લલુડી વોંકળીના આશરે 700 મકાનો અને ગોકુલધામ સહિતની આવાસ યોજનાના ક્વાર્ટરનો પણ સમાવેશ થાય છે.
RMCની ટીમો દ્વારા સ્થળ સર્વે કરીને આ નોટિસો આપવામાં આવી છે. ગોકુલધામ આવાસ યોજનાના ક્વાર્ટર છખઈ હસ્તક આવતા હોવાથી તેમાં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. અન્ય તમામ જર્જરિત બાંધકામો ચોમાસા પહેલા ખાલી કરાવવામાં આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, શહેરમાં ઘણી ઇમારતો ખૂબ જ જૂની અને ભયગ્રસ્ત હાલતમાં છે. જાહેર જનતાના હિતમાં આવી ઇમારતોને ભયમુક્ત કરવી અત્યંત જરૂરી છે. મહાનગરપાલિકા દ્વારા આવી ઇમારતોની વ્યક્તિગત મુલાકાત લઈને લેખિત અને મૌખિક સૂચનાઓ આપવામાં આવી છે. આમ છતાં ઘણા મિલકતધારકો, માલિકો, ભાડૂઆતો અને કબજેદારો દ્વારા ભયમુક્ત કરવાની કામગીરીમાં ઢીલ રાખવામાં આવી રહી છે. આથી હાલ ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલા તમામ મિલકત ધારકોને સ્વૈચ્છિક રીતે ભયગ્રસ્ત ભાગ દૂર કરવા નોટિસો પાઠવી દેવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે સ્પષ્ટતા કરી હતી કે, મહાનગરપાલિકા દ્વારા દર ચોમાસા પહેલા જર્જરિત આવાસો ખાલી કરાવવામાં આવે છે. આ અંતર્ગત જ ત્રણેય ઝોનના અલગ-અલગ વિસ્તારોમાં આવા બાંધકામોને ખાલી કરવા નોટિસો પાઠવી દેવામાં આવી છે. જેમાં ત્રણેય ઝોન મળીને કુલ 3016 મકાનોને નોટિસ આપવામાં આવી છે. તેમણે ખાતરી આપી હતી કે, સમગ્ર મામલે ગોકુલધામ આવાસ યોજના સહિતના તમામ સ્થળોએ વસવાટ કરતા લોકો માટે જરૂર પડ્યે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવશે.