Vadodara: વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા આજે ટ્રાફિકને અડચણરૂપ થતા ખંડેરાવ માર્કેટથી બગીખાના સુધીના લારી ગલ્લાના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવા પહોંચેલ પાલિકાની દબાણ શાખા અને બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મીઓ સાથે લારી ધારકો ઘર્ષણમાં ઉતર્યા હતા.
એક લારીધારક મહિલા પોતાનું માથું લારીમાં અથાડી ભારે વિરોધ કરતા તેના નાના બાળકને લઇ દબાણ શાખાના વાહન સામે બેસી જતા મામલો ગરમાયો હતો. આ સમયે સ્થળ પર હાજર બાળકો ગભરાઈ જતા રોકક્કળ કરવા લાગ્યા હતા. જેથી દબાણ શાખાની આજની સમગ્ર કાર્યવાહી ખૂબ ચર્ચાસ્પદ બની હતી.
આ પણ વાંચો
આજે મનપાની દબાણ શાખાની ટીમ ખંડેરાવ માર્કેટથી બગીખાના સુધીના હંગામી દબાણ હટાવવા સ્થાનિક પોલીસ મથકના સ્ટાફ સાથે પહોંચી હતી.
મનપાની દબાણ શાખાની ટીમ ગેરકાયદેસર લારી-ગલ્લાના દબાણો હટાવવા પહોંચતા લારી ધારકો દ્ધારા દબાણ શાખાની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને એક મહિલા લારીધારકે પોતાનું માથું જોરથી લારીમાં પછાડી પોતાના નાના બાળકને લઇ દબાણ શાખાના વાહન સામે બેસી જતા બંદોબસ્તમાં હાજર મહિલા કોન્સ્ટેબલે તેમને આવું કરતા રોક્યા હતા.
બીજી તરફ અન્ય એક કેન્સરગ્રસ્ત યુવકની લારી દબાણ શાખાએ જપ્ત કરતા તેણે પણ ભારે હોબાળો મચાવ્યો હતો. તેને જાણવ્યું હતું કે, મારો ભાઈ અપંગ છે. અને હું પોતે કેન્સરગ્રસ્ત છું. હું મહેનત કરી આ લારી થી મારુ ગુજરાન ચલાવવું છું તેમ જણાવી તે પોતે જેસીબી પર ચઢી ગયો હતો અને ત્યારબાદ જેસીબીના પૈડા પાસે સુઈ ગયો હતો. જોકે ત્યાર બાદ પોલીસ તંત્રએ લાલઆંખ કરી લારીધારકોના વિરોધ વચ્ચે લારીઓના દબાણ દૂર કરી અમુક સ્થળે બુલડોઝર ફેરવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આવી ઘટના પોતાની નજર સામે જોઈ નાના બાળકો અહીં રોક્કડ કરવા લાગ્યા હતા.
