Rajkot: રાજકોટમાં દશેરાનો ઉત્સવ એટલે રેસકોર્સ મેદાનમાં રાવણ દહન. ચાલુ વર્ષે પણ આ કાર્યક્રમને લઈ ધર્મપ્રેમી જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે સાંજના સમયે રેસકોર્સ મેદાન ભક્તોથી છલકાઈ ગયું હતું.
આ કાર્યક્રમની શરૂઆત ભવ્ય આતશબાજી સાથે કરવામાં આવી હતી. આકાશી ફટાકડા અને રંગબેરંગી રોશનીથી વાતાવરણ ઉત્સાહમય બન્યું હતું. આતશબાજીનો નજારો જોવા માટે નાની વયના ભૂલકાઓથી લઈને વયોવૃદ્ધ વડીલો સુધીના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ફટાકડાની શ્રેણી બાદ જ્યારે અંધકારમાં સળગતી મશાલો સાથે રામરૂપી કલાકારોએ 54 ફૂટ ઉંચા રાવણ તેમજ 45-45 ફૂટ ઊંચા કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાઓને અગ્નિદાહ આપ્યો, ત્યારે મેદાનમાં ઉપસ્થિત હજારો લોકોએ જય શ્રી રામના ગગનભેદી નારા લગાવ્યા હતા. ક્ષણભરમાં જ આ ત્રણેય વિશાળ પૂતળાઓ સળગી ઊઠ્યા અને સત્યની જીતનો સંદેશો આપી રાખ થઈ ગયા હતા.
જામનગરમાં રામાયણના પાત્રોની વેશભૂષામાં રામસવારી નીકળી
સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ ભવ્ય રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પણ 35 ફૂટ ઊંચુ રાવણ તેમજ મેઘનાદ અને કુંભકર્ણના 30-30 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતુ. જેની પહેલા રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષામાં જામનગરના નાનકપુરીથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધીની રામ સવારી નીકળી હતી. આવી જ રીતે અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ગામ સ્થિત અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા પણ રાવણ દહનના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
