Rajkot: રાજકોટમાં મહિલાઓ અસલામત હોય તેમ અવાર-નવાર દુષ્કર્મની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે, ત્યારે આજે વધુ બે યુવતી દુષ્કર્મનો ભોગ બની હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક બનાવમાં ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને તેનો દેહઅભડાવ્યો હતો. જ્યારે બીજા બનાવમાં વિધર્મી શખ્સે યુવતીનું કારમાં અપહરણ કરીને બહેનના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતુ. હાલ તો પોલીસ દ્વારા આ બન્ને હવસખોરની ધરપકડ માટે તપાસમાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ દેવભૂમિ દ્વારકાની વતની અને હાલ રાજકોટમાં રહેતી 32 વર્ષીય યુવતી ઈન્સ્ટાગ્રામ મારફતે શહેરના શીતલ પાર્ક પાસે રહેતા ધર્મરાજસિંહ જાડેજાના સંપર્કમાં આવી હતી. મોબાઈલ પર વાતચીત થતાં બન્ને વચ્ચે પ્રેમપાંગર્યો હતો.
આ દરમિયાન ધર્મરાજસિંહે યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ધર્મરાજે પોતાના છૂટાછેડા થયા બાદ યુવતીની સાથે લગ્ન કરવાનું વચન આપીને તેને દ્વારકા, કબરાવ અને સરધાર સહિતના સ્થળોએ ફરવા લઈ જઈને શરીર સબંધ બાંધ્યા હતા. આટલું જ નહીં, ધર્મરાજે મકાન લેવા માટે પીડિતા પાસેથી 5 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા.
જો કે થોડા સમય બાદ બન્નેના પ્રેમસબંધની પોતાના પરિવારજનોને જાણ થતાં ધર્મરાજસિંહે સબંધ કાપી નાંખ્યો હતો. આમ બે વર્ષ સુધી લગ્નની લાલચ આપીને પોતાને હવસનો શિકાર બનાવનાર હવસખોર ધર્મરાજસિંહ વિરુદ્ધ યુવતીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વિધર્મી શખ્સે અપહરણ કરીને બહેનના ઘરે લઈ જઈ યુવતી પર બળાત્કાર ગુજાર્યો
દુષ્કર્મની બીજી ફરિયાદ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતા ઝાહીદ જુણેજા નામના ઈસમ વિરુદ્ધ 33 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, ભૂતકાળમાં ઝાહીદ જુણેજા અને યુવતી વચ્ચે પ્રેમસબંધ હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી યુવતીએ સબંધનો અંત આણ્યો હતો.
ગઈકાલે યુવતી રેલનગર વિસ્તારમાં પગપાળા જઈ રહી હતી, ત્યારે ઝાહીદ જુણેજા બોલેરો કાર લઈને આવ્યો હતો. જેણે તું હવે કેમ મારી સાથે સબંધ રાખવા નથી માંગતી? કહી યુવતીનું કારમાં અપહરણ કર્યું હતુ. જે બાદ યુવતીને રૈયાધાર વિસ્તારમાં રહેતી પોતાની બહેનના ઘરે લઈ ગયો હતો. જ્યાં યુવતીને મૂંઢમાર મારીને તેની મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યો હતો. હાલ તો પોલીસે આ મામલે વિધર્મી ઈસમ વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધીને તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.