Rajkot: પડધરીમાં હત્યા બાદ રેન્જ IGનો સપાટો, 2 PI સહિત ચાર પોલીસ કર્મી સસ્પેન્ડ

બે વર્ષથી ફરાર દુષ્કર્મના આરોપીએ યુવાનની કારને આંતરીને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી હતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 22 May 2026 05:33 PM (IST)Updated: Fri, 22 May 2026 05:33 PM (IST)
rajkot-news-rang-ig-suspend-four-police-personnel-after-murder-at-in-paddhari
HIGHLIGHTS
  • હત્યાના 24 કલાક બાદ પણ હત્યારાઓ પોલીસ પકડથી દૂર

Rajkot: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામના વતની અને રાજકોટમાં વાહન લે-વેંચ તથા સીઝરનો વ્યવસાય કરતા યુવરાજસિંહ જાડેજા (40)ની કારને આંતરીને છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

આ સનસનાટીભરી હત્યાને 24 કલાકથી વધુ સમય વીતી જવા છતાં મુખ્ય આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેને પગલે મૃતકના પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આ ઘટનામાં રેન્જ આઈજીએ પડધરી પોલીસ મથકના બે તત્કાલીન પીઆઇ,પીએસઆઇ અને એએસઆઈને સસપેન્ડ કરી દેવામાં આવ્યા છે.

મૃતક યુવરાજસિંહે વર્ષ 2024માં પડધરી પોલીસ મથકમાં મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, યશપાલસિંહ રસિકસિંહ જાડેજા તથા અજયસિંહ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ગંભીર ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં અજયસિંહ હાલ જેલની સજા ભોગવી રહ્યો છે, જ્યારે મુખ્ય આરોપીઓ એવા મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ છેલ્લા સવા બે વર્ષથી પોલીસને થાપ આપી ફરાર હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જૂની દુશ્મનાવટ અને કેસ પાછો ખેંચવા બાબતે થયેલા વિવાદને કારણે જ યુવરાજસિંહની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ હત્યાકાંડ બાદ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા હતા, કારણ કે દુષ્કર્મ અને પોક્સો જેવા ગંભીર ગુનાના આરોપીઓ સવા બે વર્ષથી પોલીસની પકડથી બહાર હતા. આ મામલાની ગંભીરતાને ધ્યાને લેતા રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે કડક વલણ અપનાવ્યું છે.

આરોપીઓને પકડવામાં ઘોર બેદરકારી દાખવવા બદલ પડધરીના તત્કાલીન પીઆઇ એચ.એન. રાઠોડ, પીઆઇ એસ. એન. પરમાર, પીએસઆઇ જે. જે. વાળા અને એએસઆઈ ભગીરથસિંહ જાડેજાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ આકરી કાર્યવાહીથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે અને સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓ સામે પણ હવે તપાસના ચક્રો ગતિમાન થયા છે.