વાઘોડિયા સરકારી હોસ્પિટલ રણમેદાનમાં ફેરવાઈઃ દર્દીના મોત બાદ રોષે ભરાયેલા પરિવારનો પરિસરમાં હોબાળો, પોલીસ દોડતી થઈ

વ્યારા ગામે પોતાની બહેનના ઘરે આવેલા યુવકની સવારના સમયે અચાનક તબિયત લથડતા પરિવારજનો તેને વાઘોડિયા સરકારી હોસ્પિટલ લઈને આવ્યા હતા. જ્યાં દવાઓ પર બહારથી લાવવી પડી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 22 May 2026 05:21 PM (IST)Updated: Fri, 22 May 2026 05:21 PM (IST)
vadodara-news-angry-family-creates-ruckus-in-premises-after-patients-death-waghodia
HIGHLIGHTS
  • સમયસર યોગ્ય સારવાર ના મળતા દર્દીનું મોત થયાનો પરિવારનો આક્ષેપ

Vadodara: વાઘોડિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે સારવાર દરમિયાન એક યુવકનું મોત નિપજતાં હોસ્પિટલ તંત્રની કથિત બેદરકારી અને સાધનોના અભાવ સામે સવાલો ઉભા થયા છે. સમયસર અને યોગ્ય સારવાર ન મળવાને કારણે દર્દીએ જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ કરીને રોષે ભરાયેલા પરિવારજનો અને સગા-સંબંધીઓએ હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો.

બહેનના ઘરે આવેલા યુવકની તબિયત અચાનક બગડી

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ કામરોલ ગામના વતની મહેશભાઈ રાઠોડ નામના યુવક વાઘોડિયા નજીક આવેલા વ્યારા ગામે પોતાની બહેનના ઘરે આવ્યા હતા. જ્યાં સવારના સમયે અચાનક તેમની તબિયત બગાડતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે વાઘોડિયાની સરકારી હોસ્પિટલ (CHC) ખાતે લઈને આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહેશભાઈનું મોત નિપજ્યું હતું.

દવાઓ બહારથી લાવવી પડી, સારવારના નામે મીંડું

મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, હોસ્પિટલમાં લાવ્યા બાદ મહેશને યોગ્ય અને સમયસર સારવાર આપવામાં આવી ન હતી. એટલું જ નહીં, સરકારી હોસ્પિટલ હોવા છતાં સારવાર માટે વપરાતી કેટલીક જરૂરી વસ્તુઓ અને દવાઓ દર્દીના પરિવારે પોતે પૈસા ખર્ચીને બહારથી લાવવી પડી હતી.

યુવકના મોતના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને પરિવારજનો હોસ્પિટલ ખાતે એકત્ર થઈ ગયા હતા અને તંત્ર સામે આક્રોશ ઠાલવી હોબાળો શરૂ કર્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા વાઘોડિયા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને રોષે ભરાયેલા લોકોને સમજાવી મામલો શાંત પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

હાલમાં આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. મૃતકના પરિવારે હોસ્પિટલના જવાબદાર સ્ટાફ સામે કડક પગલાં ભરવા અને ન્યાય આપવાની ઉગ્ર માંગ કરી છે. સરકારી હોસ્પિટલની આ પ્રકારની સગવડો સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.