Rajkot: આજે દેશભરના રાજકોટ સહીત 18 રેલવે સ્ટેશન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું હતું, ત્યારે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ ટ્રેન વ્યવહાર બાબતે રાજકોટને થઇ રહેલા અન્યાયની ફરીયાદ કરી હતી.
રામભાઇએ જણાવ્યું હતું કે, હાઇવે પરનું ભારણ ઘટાડવા રેલવે તંત્રએ ખાલી પાટા પર ટ્રેનો દોડાવવી જોઇએ. રાજકોટ-સૌરાષ્ટ્રને 6 ટ્રેનો અપાશે, તેવી અગાઉ કરવામાં આવેલી જાહેરાતને પણ બે વર્ષ થઇ ગયા છે. આમ છતાં હજુ કોઇ ટ્રેન મળી નથી.
આ સાથે જ સાંસદે સૌરાષ્ટ્રને ટ્રેનો આપવા માટે સરકારમાં અસરકારક રજૂઆતો કરવા સંદર્ભે રેલવે પ્રધાન અશ્વિનીકુમારનું ધ્યાન દોર્યું હતું. દર્શનાબેન જરદોશ મિનિષ્ટર હતા, ત્યારે રાજકોટને 6 ટ્રેનો આપવાની વાત કરી હતી. એ સમયે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રીપેરીંગ કામ થતું હતું. આ વાતને બે વર્ષ થઇ ગયા હોય તેમ જાહેરાત ‘કાગળ’ પર જ રહી ગયાનો અનુભવ થાય છે
ખાસ કરીને રાજકોટને હરદ્વારની દરરોજની ટ્રેન પણ આપવાની માંગ કરી હતી. આ સિવાય રાજકોટની જરૂરીયાત પ્રમાણે મેમુ ટ્રેન દોડાવવા પણ વીડિયો કોન્ફરન્સમાં માંગણી દોહરાવી હતી.
