Rajkot: રાજય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા 13 હજારથી વધુ વિદ્યાસહાયકની ભરતી કરવા માટેની જાહેરાત કર્યા બાદ અરજી મંગાવવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણધિકારી કચેરી ખાતે રાજકોટ જિલ્લાના ઉમદેવારો ફોર્મ સહિતના પ્રમાણપત્રો જમા અને વેરિફિકેશન માટે આવતા કચેરી બહાર લાંબી લાઇન લાગી હતી.
વિદ્યાસહાયકની ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરાયા બાદ જિલ્લા કક્ષાએ કચેરી ખાતે જમાં કરાવવા માટે ઉમદેવારો 7મી નવેમ્બરથી આવી રહ્યા છે. છેલ્લા 7 દિવસમાં 2000થી વધારે ઉમેદવારો દ્વારા ફોર્મ અને પ્રમાણપત્રો વેરીફાઇ કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયા આગામી 19 નવેમ્બર સુધી ચાલશે.
ફોર્મ જમા કરાવવા માટે રાજકોટ જિલ્લા શિક્ષણધિકારી કચેરી ખાતે ઉમેદવારો સતત ઉમટી રહ્યા હોવાથી કચેરીના ગેટથી રોડ સુધી લાંબી કતારો લાગી છે. તેમજ બેસવાની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી ઉમેદવારોને કલાકો સુધી ઉભા પગે રહેવુ પડી રહ્યુ છે. તેમજ બહાર રસ્તા પર આવેલ શૌચાલય સુધી લાંબી લાઇન લાગી છે.
કચેરીના હોલમાં ખાલી જગ્યાના અભાવે ઉમેદવારોનો જમાવડો થયો છે અને બેસવામાં પણ સમસ્યા થતી હોવાની રાવ ઉમેદવારોમાં ઉઠી હતી કેટલાક ઉમેદવારો નાના બાળકો સાથે આવતા પરેશાન થયા છે.
આ અંગે ઉમેદવારોમાંથી જાણવા મળ્યા મુજબ, દૂર-દૂર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ઉમેદવારોને ફોર્મ જમા કરાવવા માટે આખો દિવસ કાઢવો પડી રહ્યો છે. કલાકો સુધી ફોર્મ જમા કરાવવા માટે રાહ જોવી પડી રહી છે. નાના બાળકો સાથે હોવાથી ધણી સમસ્યા થતી હોય ફોર્મ ચકાસણી અને જમા કરાવવાની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા માંગ ઉઠી છે.
