Rajkot: વાવડીમાં ગેરકાયદે 5 દુકાનોનું ડિમોલિશન, બુલડોઝરની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ

બે કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવતું વહીવટી તંત્ર

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 13 Nov 2024 04:50 PM (IST)Updated: Wed, 13 Nov 2024 04:50 PM (IST)
rajkot-news-rmc-demolition-drive-at-vavdi-area
RMC demolition Drive At vavdi area

Rajkot: સરકારી ખરાબા અને ગૌચરની જમીન પર યેનકેન પ્રકારે કરેલા દબાણો હટાવવા સરકારના આદેશ બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. એવામાં વાવડીમાં સરકારી જમીન પર કૉમર્શિયલ બાંધકામ કરી અને સરકારી જમીન પર કબ્જો કરવામાં આવ્યો હતો. તેના પર આજે તાલુકાના મામલતદાર દ્વારા બૂલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

કલેક્ટર કચેરીના જણાવ્યા મુજબ, ગોંડલ રોડ પર આવેલ વાવડી ગામની સર્વે નં. 149ની 1000 ચોરસ મીટર સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા કબ્જો કરવામાં આવ્યો હતો. જેના પર કમાવવાના હેતુથી પાંચ જેટલા કોમર્શિયલ બાંધકામ ખડકી દેવામાં આવ્યા હતા. જેમાં આ ભૂમાફિયાઓને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ નોટિસને અવગણતા તાલુકા મામલતદાર દ્વારા આજે ડિમોલિશનની કાર્યવાહી કરાઈ હતી.

આજે સવારે તાલુકા મામલતદાર દ્વારા પોલીસના ચૂસ્ત બંદોબસ્ત સાથે બુલડોઝર દ્વારા પાંચ જેટલા ગેરકાયદે રીતે ખડકાયેલા કોમર્શિયલ બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા અને અંદાજે રૂપિયા બે કરોડની કિંમતની સરકારી દબાણ મુક્ત જમીનને મુક્ત કરવામાં આવી હતી. જમીન ખુલ્લી કરાવીને તેની ફરતે ફેન્સી વોલ બાંધવાની કામગીરી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં ધાર્મિક સહિત 2000થી વધારે દબાણો સરકારી અને ગૌચરની જમીન પર ખડકી દેવામાં આવ્યા છે. જેની સામે કલેક્ટર દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. આ નોટીસને અવગણનાર સામે કલેક્ટર તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.