Rajkot: તાજેતરના દિવસોમાં પડેલા ભારે કમોસમી વરસાદને કારણે રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂત સભાસદોને થયેલા પારાવાર નુકસાનમાં ત્વરિત રાહત મળી રહે તે માટે 'શ્રી રાજકોટ જિલ્લા સહકારી બેંક લિમિટેડ' દ્વારા એક મહત્વપૂર્ણ અને ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે બેંકે ખાસ કૃષિલોન યોજનાની જાહેરાત કરી છે, જે અંતર્ગત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.
બેંક દ્વારા રાજકોટ તેમજ મોરબી જિલ્લાના મંડળીઓ મારફત ધિરાણ લેતા અંદાજે 2,25,000 ખેડૂત સભાસદો માટે કુલ રૂ 1,300 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.
જે અંતર્ગત હેક્ટર દીઠ રૂ. 12,500/- અને વધુમાં વધુ રૂ 65,000/ ની કૃષિલોન આપવામાં આવશે. ખેડૂતો વતી રૂ.100 કરોડનો ખર્ચ બેંક ભોગવશે. આ યોજના હેઠળ ખેડૂતોને 0% વ્યાજે લોન આપવાને કારણે બેંકને થનાર અંદાજે રૂ 100 કરોડનો વ્યાજ ખર્ચ, ખેડૂતો વતી બેંક પોતે ભોગવશે
આ મામલે જિલ્લા બેંકના યુવા ચેરમેન જયેશ રાદડિયાએ નિર્ણય જાહેર કરતાં જણાવ્યું હતું કે, જિલ્લા બેંક હંમેશા ખેડૂતોની પડખે ઊભી રહી છે. આ સંકટના સમયમાં તેમને મોટી રાહત મળી રહે તે હેતુથી આ ઐતિહાસિક યોજના બનાવવામાં આવી છે. આ નિર્ણયથી અસરગ્રસ્ત ખેડૂતોને તેમની ખેતી પૂર્વવત કરવામાં અને આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવવામાં મોટી મદદ મળશે.આ જાહેરાતને પગલે રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂત આલમમાં રાહત અને ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
