Rajkot: સરધારમાં પ્રેમિકાના ઘરમાં ઘૂસી પરિણીત પ્રેમીનો ખૂની ખેલ, છરીથી પ્રેમિકાનું ગળું ચીરી નાંખ્યા બાદ આપઘાતનો પ્રયાસ

પ્રેમ પ્રકરણની જાણ થતાં પત્ની રિસામણે ચાલી જતાં યુવકે પ્રેમિકાના ઘરે જઈ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. જો કે પ્રેમિકાએ ના પાડતા યુવકના માથે ખૂન સવાર થયું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 12 Nov 2025 07:12 PM (IST)Updated: Wed, 12 Nov 2025 07:12 PM (IST)
rajkot-news-married-boyfriend-attack-with-lover-and-attampt-suicide-at-sardhar
HIGHLIGHTS
  • પ્રેમિકાને લોહીલુહાણ કરીને પ્રેમીએ પોતાના પેટમાં પણ છરી હુલાવી દીધી
  • રોટલી વણવા જતી પાટીદાર યુવતી અને પ્લમ્બિંગનું કામ કરતાં યુવક વચ્ચે પ્રેમ પાંગર્યો

Rajkot: પ્રેમ પ્રકરણમાં અણબનાવ બનતા હત્યા સુધીનો કરૂણ અંજામ આવતો હોવાના અનેક બનાવો સામે આવતા રહે છે, ત્યારે આવા જ એક વધુ બનાવમાં શહેરની ભાગોળે ભાવનગર રોડ પર આવેલા સરધાર ગામે પ્રેમિકાના છરીના ઘા ઝીંકી પરણીત પ્રેમીએ જાતે પેટમાં છરી હૂલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં બંને પ્રેમી પંખીડાને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં મવડીમાં રહેતા યુવકને સરધારની યુવતી સાથે પ્રેમસંબંધ હોય જેની જાણ યુવકની પત્નીને થઇ જતા તેણી રિસામણે ચાલી ગઇ હતી બાદમાં યુવકે પ્રેમીના ઘરે ધસી જઇ લગ્નનો પ્રસ્તાવ મૂકયો હતો. જો કે પ્રેમિકાએ આનાકાની કરતા યુવકે ઉશ્કેરાઇ જઇ પ્રેમિકાને ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી આપઘાતનો પ્રયાસ કર્યાનું જાણવા મળ્યુ છે. આ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ જામકંડોરણા તાલુકાના રાજપરા ગામનો વતની અને હાલ રાજકોટમાં મવડી ચોકડી પાસે સીતારામ ચોકમાં રહેતો નિકુંજ અરવીદભાઇ વેકરીયા (30)નામનો યુવાન આજે વહેલી સવારે સરધાર ગામે રહેતી હિના ભરતભાઇ બુડાસણા(28)ના ઘરે ઘસી આવી કોઇ બાબતે બોલાચાલી યુવતીના ગળાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. જેથી યુવતી લોહીલુહાણ થઇ ગઇ હતી. જે બાદમાં આ શખસે જાતે પેટના ભાગે તથા શરીરે છરીના ઘા ઝીંકી દેતા તેને પણ ઇજા પહોંચી હતી.

આ બનાવની જાણ થતા યુવતીના પરિવારજનો તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતાં. જયારે યુવતી પર હુમલો કરનાર નિકુંજ વેકરીયાને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પટેલ યુવતી પર ખૂની હુમલાની આ ઘટનાને પગલે આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજા, એએઅસઆઇ હારૂનભાઇ ચાનીયા, રવીભાઇ વાંક, કિશન આહિર સહિતનો સ્ટાફે દોડી જઇ તપાસ હાથ ધરી છે. વધુ તપાસમાં જેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે, તે પટેલ યુવતી હિનાના પિતા ખેતીકામ કરે છે અને યુવતી રોટલી વણવા જાય છે. યુવતી ત્રણ બહેન એક ભાઇના પરિવારમાં વચેટ છે. જયારે નીકુંજ વકરીયા એક ભાઇ એક બહેનમાં મોટો અને પ્લમ્બીંગ કામ કરે છે. નિકુંજના પાંચ વર્ષ પૂર્વે લગ્ન થયા હતાં.

જે બાદ તેને સરધારની હિના સાથે પ્રેમસંબંધ થયો હતો. આ વાતની જાણ નિકુંજની પત્નીને થઇ જતા બંને વચ્ચે સતત ઝઘડા ચાલતા હતા બાદમાં નિકુંજની પત્ની રિસામણે ચાલી ગઇ હતી. આજરોજ સવારના સુમારે નિકુંજ યુવતીના ઘરે ધસી આવ્યો હતો. તેણે હિનાને પોતાના છૂટાછેડાની વાત ચાલતી હોય અને લગ્ન કરી લેવાની વાત કરી હતી. જો કે યુવતીએ છુટાછેડા થયા બાદ વાત આગળ વધારીશું તેમ કહેતા બંને વચ્ચે લગ્નની વાતને લઇ બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. જેથી નિકુંજે ઉશ્કેરાઇ જઇ છરી કાઢી યુવતીને ગળાનાભાગે છરીનો ઘા મારી ખુદને પેટના છરીના ઘા ઝીંકી દીધા હતાં. આ અંગે આજીડેમ પોલીસ વિશેષ તપાસ ચલાવી રહી છે.