Rajkot: ગોંડલમાં પાટીદાર તરૂણને જાહેરમાં ઢોરમાર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બનાવને લઈને ગઈકાલે પાટીદાર સમાજ દ્વારા આજે ગોંડલ બંધનું એલાન આપવામાં આવ્યું હતુ, જેને મોડી સાંજે પરત ખેંચી લેવામાં આવ્યું હતુ. આ મામલે પાટીદાર અગ્રણી અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની મધ્યસ્થતા ફળીભૂત થઈ હતી. પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ આકરા પગલાની બાંહેધરી આપવામાં આવી છે, ત્યારે પીડિત તરૂણના પિતાએ લુખ્ખાઓને કાયદાનું ભાન થાય તેવી માંગ કરી છે.
આ અંગે ભોગ બનનાર તરુણના પિતાએ જણાવ્યું કે, મારો દીકરો નિર્દોષ હોવા છતાં તેને ઢોર માર મારવામાં આવ્યો છે. આરોપીઓ કહે છે કે, મારો પુત્ર ગાંજો પીવે છે, તો સાબિત કરી આપો. મારા દીકરાનો જે રિપોર્ટ કરાવવાનો હોય, તે કરાવો. જો તેઓ સાચા સાબિત થાય તો મારે કઈ કરવું જ નથી. મારા છોકરા પર તદ્દન પાયાવિહોણા આરોપ મૂકવામાં આવી રહ્યો છે.
આ ઘટનાને લઈને ગઈકાલે સર્વ સમાજની બેઠક મળી હતી. જેમાં સર્વે સમાજના લોકોએ સપોર્ટ કર્યો, તે માટે હું સૌનો આભારી છું. મારે સમાજ સાથે કોઈ લેવા-દેવા નથી, મારો માત્ર એક જ હેતું છે કે, મારા છોકરાને ન્યાય મળે અને પોલીસ આ લુખ્ખાઓને કાયદાનું ભાન કરાવો.
જણાવી દઈએ કે, ગત 18 માર્ચના રોજ મયુરસિંહ સહિત 3 જેટલા ઈસમો દ્વારા 17 વર્ષના પાટીદાર સગીરને ઢોરમાર મારવામાં આવ્યો હતો. હાલ ઈજાગ્રસ્ત સગીર ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આ મામલે પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ઘટતી કલમનો ઉમેરો કરવાની બાંહેધરી આપવામાં આવી છે. જેના પગલે આજે ગોંડલ બંધનું એલાન મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
