Rajkot: ગોંડલમાં પાટીદાર સમાજના સગીરને ઢોરમાર મારવાની ઘટનાના સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બનાવને લઈને રોષે ભરાયેલા પાટીદાર સમાજના અગ્રણીઓની ગઈકાલે બેઠક મળી હતી. જેમાં આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ સાથે આજે ગોંડલ બંધનું એલાન આપવામાં આવ્યું હતુ, પરંતુ બાદમાં બંધ પાછું ખેંચાતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે. એવામાં રાજકોટના સાંસદ પુરુષોત્તમ રુપાલાનું નિવેદન સામે આવ્યું છે.
આ અંગે પુરુષોત્તમ રુપાલાએ જણાવ્યું કે, આ સંદર્ભે અમારી પાર્ટી ભાજપના વરિષ્ઠ આગેવાનો નિવેદન આપી ચૂક્યા છે. આ ઘટનાને લઈને કાયદો કાયદાનું કામ કરશે, એવું મારું સ્પષ્ટ માનવું છે. જો કે સામાજિકત સોહાર્દને અને તેના તાણાવાણાને નુકસાન ના થાય, તેનું આપણે સૌથે ધ્યાન રાખવું જોઈએ.
જણાવી દઈએ કે, ગત 19 માર્ચના રોજ પાટીદાર સગીરને ધોકા વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. જે બાદ ઈજાગ્રસ્ત પાટીદાર સગીર હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. એવામાં ગઈકાલે પાટીદાર સમાજના અગ્રણી અને ભાજપ ધારાસભ્ય જયેશ રાદડિયા અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ હોસ્પિટલમાં પહોંચીને ઈજાગ્રસ્ત સગીરના ખબર અંતર પૂછ્યા હતા.
આ તકે બન્ને નેતાઓએ આ સમગ્ર ઘટનાની નિંદા કરતાં પોતે પાટીદાર સમાજની સાથે હોવાનું જણાવ્યું હતુ. આ સાથે જ આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવાની ખાતરી આપી હતી.
