Mehsana: અમેરિકામાં પટેલ પિતા-પુત્રીની ઘાતકી હત્યા, સ્ટોરમાં ઘૂસી આવેલા અશ્વેત ઈસમે ગોળીઓથી વીંધી નાંખ્યા

મૂળ મહેસાણા જિલ્લાના કનોડા ગામના વતની પ્રદીપ પટેલ અને તેમની 24 વર્ષીય પુત્રી વર્જિનિયા સ્ટેટની એકોમેક કાઉન્ટી સ્થિત સ્ટોરમાં હતા, ત્યારે જ હત્યારો ઘુસી આવ્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 22 Mar 2025 04:39 PM (IST)Updated: Sat, 22 Mar 2025 04:39 PM (IST)
mehsana-news-patel-father-daughter-shot-dead-in-store-at
HIGHLIGHTS
  • પિતાનું ઘટના સ્થળે જ દર્દનાક મોત, પુત્રીએ હૉસ્પિટલમાં દમ તોડ્યો

Mehsana: અમેરિકામાં છાશવારે ગુજરાતીઓની ઘાતકી હત્યાના બનાવો સામે આવતા રહે છે. એવામાં આવો જ વધુ એક બનાવ વર્જિનિયાની એકોમેક કાઉન્ટીમાંથી સામે આવ્યો છે. જેમાં અશ્વેત ઈસમો સ્ટોરમાં ઘૂસીને પટેલ પિતા-પુત્રીને ગોળીથી વિંધી નાંખ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મહેસાણા જિલ્લાના કનોડા ગામના વતની પ્રદીપ પટેલ (56) તેમની 24 વર્ષીય પુત્રી સાથે અમેરિકાના વર્જિનિયા સ્ટેટની એકોમેક કાઉન્ટીમાં આવેલા સ્ટોરમાં કામ કરી રહ્યા હતા. આ સમયે અચાનક અશ્વેત ઈસમ તેમના સ્ટોરમાં ઘૂસી આવ્યો હતો. જ્યાં પિતા-પુત્રી કંઈ સમજે તે પહેલા જ તેણે ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ.

આમ અચાનક કરવામાં આવેલા હુમલામાં પિતા-પુત્રી સ્ટોરમાં જ લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગયા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્ટોર પ પહોંચી હતી. જેમણે ગોળીબાર કરનાર અશ્વેત યુવકની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ હુમલામાં ઘાયલ પ્રદીપ પટેલનું ઘટના સ્થળે જ દર્દનામ મોત નિપજ્યું હતુ. જ્યારે તેમની યુવાન પુત્રીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તે પણ મોતને ભેટી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ગોળીબાર કરનાર અશ્વેત યુવકની ઓળખ જ્યોર્જ તરીકે થઈ છે. જો કે હજુ સુધી જ્યોર્જે ક્યા કારણોસર પિતા-પુત્રી પર હુમલો કર્યો, તે જાણી શકાયું નથી. હાલ તો પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ આ બનાવના પગલે સ્થાનિક ગુજરાતીઓમાં ગમગીની છવાઈ જવા પામી છે.