Rajkot: ગત સપ્તાહે જામકંડોરણમાં 'પ્રેમનું પાનેતર' નામે આયોજિત સમુહ લગ્નોત્સવ દરમિયાન જયેશ રાદડિયાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નામ લીધા વિના આકરા પ્રહાર કર્યાં હતા. જેમાં લેઉવા સમાજમાં સક્રિય ટપોરી ગેંગ રાદડિયા પરિવારને બદનામ કરવાનું કામ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે રાજકોટની કોમર્શિય કો-ઓપરેટિવ બેંકના CEO પરષોત્તમ પીપળીયાએ પણ ઝંપલાવ્યું હતુ અને જયેશ રાદડિયાની ટીકા કરી હતી. જો કે હવે પરષોત્તમ પીપળીયાએ પોતાને ફોન પર ધમકી મળી હોવાનો આક્ષેપ કર્યો છે.
પરષોત્તમ પીપળીયાએ જણાવ્યું કે, નરેશ પટેલનું સમર્થન કર્યાં બાદ મને સતત ફોન પર ધમકી મળી રહી છે. ફોન પર અભદ્ર ભાષામાં વાત કરીને મારું સરનામું માંગીને ધમકી આપવામાં આવી રહી છે. હું માફી માંગુ, તે માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે તમે કોઈ સામે અવાજ ઉઠાવો, ત્યારે આવી ગેંગ તમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરે, તે સ્વાભાવિક છે. આથી હું આવા લોકોની ધમકીથી નાસીપાસ થવાનો નથી. મેં આવા લોકોને મારું સરનામું પણ આપી દીધુ છે.
નિત્યસ્વરૂપ સ્વામીએ કરેલી ટીપ્પણી અંગે પરષોત્તમ પીપળીયાએ જણાવ્યું કે, પટેલોને બુદ્ધિહીન તરીકે દર્શાવવા વ્યાજબી નથી. સંતોએ સમાજમાં નફરત ફેલાય તેવા નિવેદનો ના આપવા જોઈએ. સ્વામી અગાઉ પણ આવું નિવેદન આપી ચૂક્યા છે. તેમણે સંતને શોભે તેવી વાણી બોલવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, સ્વામીએ કહ્યું હતું કે, જ્યારે 100 પટેલ ભેગા થશે, ત્યારે વાણિયા જેવી બુદ્ધિ આવશે.