Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIના કાર્યકરો બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી પ્રક્રિયા અંગે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જ્યાં NSUI અને ભાજપ સમર્થિત ABVPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતુ. જેમાં NSUIના ધૃમિલ રાઠોડ નામના કાર્યકરને માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિ.માં વી.સી.ની ચેમ્બર પાસે જ કોંગ્રેસ સમર્થિત NSUI અને ભાજપ સમર્થિત ABVPના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. આ સમયે બંદોબસ્તમાં હાજર પોલીસે બન્ને જૂથોને છૂટા પાડયા હતાં. આ બઘડાટીમાં NSUIના પ્રવકતા ધૃમિલ રાઠોડને માર પડતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલ છે.
આ ઘટનાના પગલે ઘટના સ્થળે પહોંચેલી પોલીસની ટીમે બન્ને જૂથના ત્રણ ચાર આગેવાનોને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. જો કે બન્ને પક્ષ ફરિયાદ કરવા તૈયાર નહીં થતાં પોલીસે આગેવાનોને રવાના કરી દીધા હતાં.
આ અંગે NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે, આજે અમારો આવેદન આપવાનો કાર્યક્રમ નિર્ધારિત હોવાથી અમે યુનિવર્સિટીમાં કુલપતિની ચેમ્બર પાસે પહોંચ્યા, ત્યારે ABVPના 60 જેટલા કાર્યકરો અગાઉથી જ ત્યાં હાજર હતાં. તેમણે અમારા કાર્યકરો સાથે ઝઘડો કરતાં સામાન્ય ઘર્ષણ થયું હતું અને ટોળાએ અમારા કાર્યકર ધૃમિલ રાઠોડને માર માર્યો હતો. કુલપતિએ ABVPના કાર્યકરોને અગાઉથી જ બોલાવી રાખ્યા હોવાની અમને શંકા છે.
જ્યારે સ્થળ પર હાજર પોલીસે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિની ચેમ્બરમાં પ્રથમ જવા બાબતે બન્ને જુથના કાર્યકરો વચ્ચે વિવાદ બાદ સામાન્ય ઝપાઝપી થઈ હતી. જેના પરિણામે બન્ને જૂથના આગેવાનોને પોલીસ સ્ઠેશને લાવવામાં આવ્યા હતાં, પરંતુ કોઈ ફરિયાદ કરવા તૈયાર નહીં થતા અને સમાધાન થઈ જતાં જવા દેવામાં આવ્યા છે.
