Rajkot: જંગલેશ્વરમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની નોટિસને હાઈકોર્ટમાં પડકારાઈ,3 પિટિશન દાખલ કરવામાં આવી

હાઇકોર્ટમાં કુલ ત્રણ પીટિશન દાખલ કરવામા આવી છે. એક પિટીશનમાં 70 , બીજી અને ત્રીજી પિટીશનમા 60 જેટલા આસામીઓએ દાદ માંગી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 24 Dec 2025 10:16 PM (IST)Updated: Wed, 24 Dec 2025 11:11 PM (IST)
rajkot-news-notice-to-remove-illegal-pressures-in-jangeleshwar-challenged-in-high-court-3-petitions-filed
HIGHLIGHTS
  • ગેરકાયદેસર દબાણો કાયદેસર કરવા, વળતર આપવા અથવા વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગણી
  • કોંગ્રેસનો આક્ષેપ, ચૂંટણી ટાણે લોકોને ડરાવવા નોટિસો અપાઇ; શુક્રવારે મહારેલી

Rajkot: રાજકોટ શહેરનાં ભાવનગર રોડ ઉપર આજી નદીનાં કાંઠે જંગલેશ્વર વિસ્તારમા 80 હજાર ચોરસ મીટરથી વધુ સરકારી જમીન ઉપર વર્ષોથી ખડકાયેલા 800 કરતા વધુ ગેરકાયદે દબાણો દૂર કરવા કલેકટરતંત્ર દ્વારા નોટિસો આપવામા આવી છે.

દબાણકારો કોર્ટમાંથી મનાઇ હુકમ મેળવે નહીં તે માટે મામલતદાર દ્વારા કેવિયેટ દાખલ કરવામા આવી છે, ત્યારે જંગલેશ્વરમાં વર્ષોથી રહેતા કલેકટર આસામીઓએ કલેકટરતંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસને હાઇકોર્ટમા પડકારી છે અને સંભવિત ડિમોલિશન અટકાવવા માંગણી કરી છે.

જંગલેશ્વરમાં રહેતા લોકોએ જણાવ્યુ હતુ કે, હાઇકોર્ટમાં કુલ ત્રણ પીટિશન દાખલ કરવામા આવી છે. એક પિટીશનમાં 70 , બીજી અને ત્રીજી પિટીશનમા 60 જેટલા આસામીઓએ દાદ માંગી છે.

પિટીશનમા દાદ માંગવામા આવી છે કે , જંગલેશ્વરમાં વિવાદિત જમીનમાં અમૂક લોકો તો આઝાદી પહેલાથી એટલે કે લગભગ 82 વર્ષથી રહે છે અને મોટાભાગનાં લોકો છેલ્લા 40 વર્ષથી રહે છે.

દબાણકારોએ હાઇકોર્ટમાં દાદ માંગી રહેણાંક મકાનો કાયદેસર કરી દેવામાં આવે અથવા વૈકલ્પિક જગ્યા આપવામા આવે અથવા તો વળતર આપવામા આવે તેવી માંગણી કરી છે.

દબાણકારોએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, અમે આ લડાઇ માટે કોઇ રાજકીય પક્ષનો ટેકો લીધો નથી કે કોઇનો સહકાર પણ માંગ્યો નથી. બીજી તરફ આજી નદીમા કાંઠે જંગલેશ્વરમાં સરકારી જમીન ઉપર વર્ષોથી ઉભેલા ગેરકાયદેસર દબાણો હટાવવા મામલતદાર દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠળ નોટિસો આપવામા આવી છે અને તા. 29 મીથી તમામ દબાણકારોના જમીનના આધાર-પુરાવાની સુનાવણી નિયત કરી છે.

દબાણો કાયદેસર કરી દેવા કલેકટર સમક્ષ રજૂઆત
રાજકોટ શહેરના વોર્ડ નં. 16 માં આવેલા જંગલેશ્વર વિસ્તારના અંદાજે 50 વર્ષ જૂના મકાનોના અસ્તિત્વ પર તોળાતા જોખમ વચ્ચે સામાજિક કાર્યકર ખાલીકમિયા બુખારી મેદાને આવ્યા છે. વર્ષોથી અહીં વસવાટ કરતા ગરીબ શ્રમિકોના આશિયાનાને કાયદેસર કરવાની માંગ સાથે આજે તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

સામાજિક કાર્યકર્તા અને જાગૃત નાગરિક ખાલીકમિયા સુલતાનમિયા બુખારીએ આજે જિલ્લા કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે, જંગલેશ્વર વિસ્તારમાં રહેતા પરિવારો દાયકાઓથી અહીં વસવાટ કરી રહ્યા છે. આ પરિવારો આર્થિક રીતે પછાત હોવાથી પ્રશાસન અને સરકાર માનવતાવાદી અભિગમ અપનાવી આ મકાનોને કોઈ પણ ચાર્જ લીધા વિના (નિ:શુલ્ક) રેગ્યુલરાઈઝ કરે તે તેવી માંગ છે