Rajkot: રાજકોટમાં રહેતા નેપાળી પરિવારની પુત્રીએ દુબઇમાં રહેતા મિત્રએ વાત કરવાની બંધ કરી દેતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ત્રણ ભાઇની એકની એક બહેનના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર જનકપુરી સોસાયટીમાં રહેતા સંજયભાઇ નેપાળીની 18 વર્ષિય પુત્રી પૂજાકુમારી સંજયભાઇ સાઉથયુડી બેંગ્લુરુમાં તેના મામાના ઘરે રહેતી હતી. ગત 24 એપ્રિલના રોજ પૂજાકુમારીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા તેને બેંગ્લુરુની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાંથી સારવાર અર્થે રાજકોટ લાવતા હતા, ત્યારે રસ્તામાં જ તેણીએ દમ તોડી દીધો હતો. સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવતા પ્રનગર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પૂજા ત્રણ ભાઇની એકની એક નાની બહેન હતી. પૂજાને દુબઈમાં રહેતા તેના ગામના યુવક સાથે ફેસબુક થકી ફ્રેન્ડશિપ થઈ હતી. જેથી બન્ને વચ્ચે વાતચીત થઈ હતી, પરંતુ અચાનક દુબઈ રહેતા યુવકે વાત કરવાનું બંધ કરી દીધુ હતુ. જેના પરિણામે લાગી આવતા પૂજાએ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ બનાવથી નેપાળી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
