Rajkot: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં આંતરજ્ઞાતિય લગ્નને લઈને વિવાદના કિસ્સાઓ ખૂબ જ ચગી રહ્યા છે, ત્યારે રાજકોટના સાંસદ અને પાટીદાર નેતા પરષોત્તમ રુપાલાએ મોટું નિવેદન આપ્યું છે.
હકીકતમાં રાજકોટ જિલ્લાના ઈશ્વરીયા ગામે ઉમિયાધામ દ્વારા કડવા પાટીદારોનું એક મહાસંમેલન યોજાયું હતુ. જેમાં ઉપસ્થિત રહેલા પરષોત્તમ રુપાલાએ સામાજિક મૂલ્યો, કૌટુંબિક માળખા અને આધુનિક રીતરિવાજો પર ગંભીર ટકોર કરી હતી. આ સાથે જ તેમણે સહકુટુંબમાં અને ગામડે દીકરી ના દેવાની માનસિકતા પર ચિંતા વ્યક્ત કરી હતી.
દીકરીઓ દ્વારા ભાગીને કરવામાં આવતા પ્રેમલગ્નો અંગે પોતાનો મત વ્યક્ત કરતાં પરષોત્તમ રુપાલાએ જણાવ્યું કે, આજે માતા અને દીકરી વચ્ચેનો સંવાદ ઘટી ગયો છે. જેના કારણે આવી સ્થિતિ સર્જાઈ રહી છે.
આથી માતાએ દીકરીઓને થોડો સમય આપવો જોઈએ. જો દીકરીઓના મનમાં કોઈ વિચાર કે મુંઝવણ આવે, તો તે માતા સમક્ષ ખુલ્લા દિલે ચર્ચા કરી શકે તેવી સ્થિતિ હોવી જોઈએ.
તેમણે લોકપ્રિય ગુજરાતી લોકગીત 'દાદા એવો વર ગોતજો'નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, પહેલાના સમયમાં દીકરીઓ આપણે ગાતા-ગાતા સમજાવી જતી હતી કે મારા માટે આવું કરજો અને આપણો વ્યવહાર પણ સારી રીતે ચાલતો હતો.
જો કે આજે દીકરીઓ દાદાને તો ઠીક તેના બાબા કે માતાને પણ કશું જ કહેતી નથી. આખરે દીકરીઓ પરિવારને પડતો મૂકીને લંગુરની પાછળ ભાગી જાય છે. આ વિષયને સમાજે ખૂબ જ ગંભીરતાથી લેવાની આવશ્યક્તા છે. આ સાથે જ કુટુંબ વ્યવસ્થા, ઘર સભા અને તેમાં પણ દીકરા અને દીકરીઓ વચ્ચે પરિવારમાં સંવાદનું વાતાવરણ વધારે મજબૂત થાય તે દિશામાં પણ પ્રયાસ કરવાની આવશ્યક્તા છે.
