Rajkot: રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે ભવ્યાતી ભવ્ય અયોધ્યા નગરી ઊભી કરવામાં આવી છે. આજરોજ શનિવારના સાંજથી રેસકોર્સ મેદાન ખાતે વિશ્વવિખ્યાત પ્રસિદ્ધ રામકથાકાર મોરારીબાપુના શ્રી કંઠેથી રામકથાનું રસપાન શ્રોતાઓને કરાવવામાં આવશે. રામકથા શરૂ થાય તે પૂર્વે આજરોજ પોથી પૂજન વિધિ યોજવામાં આવી હતી.
પોથી પૂજન વિધિ પૂર્ણ થયા બાદ રાજકોટ શહેરના વિરાણી ચોક થી લઈ રેસકોર્સ ખાતે બનાવવામાં આવેલી અયોધ્યા નગરી સુધી પોથી યાત્રા યોજવામાં આવી હતી. જેમાં અંદાજિત 5000થી પણ વધુ લોકો પોથી યાત્રામાં જોડાયા હતા. પોથી યાત્રાનું પ્રસ્થાન મોરારીબાપુ અને સ્વામી પરમાત્માનંદજી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો
વિશાળ શોભાયાત્રામાં હાથી, ઘોડા ગાડી, ખુલી જીપ, સીદી લોકોના નૃત્ય ધમાલ દ્વારા પણ લોકોમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પોથીયાત્રામાં પ્રદર્શનના જુદા જુદા ફ્લોટ્સ પણ રાખવામાં આવ્યા હતા. તો સાથે જ ભગવાન અયોધ્યાપતિ રામની પ્રતિકૃતિ પણ રાખવામાં આવી હતી. પોથીયાત્રા દરમિયાન કેસરિયો માહોલ જોવા મળ્યો હતો. તો સાથે જ ઠેર ઠેર જય જય શ્રી રામના નારા પણ લાગ્યા હતા. પોથીયાત્રામાં રાજકોટ શહેરના મેયર, ધારાસભ્યો તેમજ સાંસદ સભ્ય સહિતના નેતાઓ જોડાયા હતા. પોથી યાત્રામાં NCC તેમજ NSS સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ પણ માથે પોથી રાખીને પોથી યાત્રામાં જોડાયા હતા.
આ તકે સ્વામી પરમાત્માનંદજીએ જણાવ્યું કે, મને ખાતરી છે કે ખૂબ જ ભાવવહી તથા આજથી શરૂ થવાની છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે, well begun is half done, એ જ કહેવત પ્રમાણે આજે ખૂબ જ સારી શરૂઆત થઈ છે. મોરારીબાપુ ક્યારેય પણ પોથી યાત્રામાં કે પોથી પૂજનમાં જોડાતા નથી, પરંતુ અમારા સૌની લાગણીને માન આપીને તેઓ પોથી પૂજનમાં જોડાયા હતા. આ સાથે જ પોથી યાત્રાને તેમના દ્વારા પ્રસ્થાન બાબતે લીલી ઝંડી પણ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, મોરારીબાપુની 12 વર્ષ બાદ રાજકોટ શહેર ખાતે રામકથા યોજાઈ રહી છે, ત્યારે એક દશક બાદ મોરારીબાપુ દ્વારા રામકથા યોજવામાં આવી રહી હોય ત્યારે સ્વાભાવિક છે કે ભાવિકોમાં અનેરો ઉત્સાહ હાલ જોવા મળી રહ્યો છે. સતત નવ દિવસ સુધી ચાલનારી રામ કથામાં 3,000 થી પણ વધુ સ્વયંસેવકો જોડાયા છે.
આ સાથે જ અયોધ્યા નગરી ખાતે એક લાખ જેટલા શ્રોતાઓ બેસીને સાંભળી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરરોજ અવનવી મીઠાઈ બનાવીને ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે. કથાનું રસપાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત પણ કરનાર છે
