Vav Bypolls Result: ગુજરાતની એકમાત્ર વાવ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. આ બેઠક પર જામેલા ત્રિપાંખીયા જંગમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર 2442 મતથી વિજયી થઈ ગયા છે. આ બેઠક પર સ્વરૂપજી ઠાકોરની જીત થતાં જ ભાજપના બળવાખોર માવજી પટેલના નિવેદન પર પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પલટવાર કર્યો છે.
હકીકતમાં વાવ વિધાનસભા બેઠક પર ભાજપ તરફથી મેન્ડેટ ના મળતા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મનાવવાનો પ્રયત્ન કરવા છતાં માવજી પટેલે ફોર્મ પરત ખેંચ્યું નહતુ. જેના કારણે આ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો હતો.
ભાજપમાંથી બળવો કરીને અપક્ષ લડી રહેલા માવજી પટેલે શરૂઆતથી જ આક્રમક પ્રચાર કર્યો હતો. 'બેટ'નું ચૂંટણી ચિહ્ન લઈને ચૂંટણીના મેદાનમાં બેટિંગ કરવા ઉતરેલા માવજી પટેલના નિશાને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ રહ્યા હતા. ગત 5 નવેમ્બરે જ માવજી પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પર નિશાન સાધતા કહ્યું હતું કે, આ ચૂંટણીમાં પાટીલનો પાવર ઉતારવો છે. માવજી પટેલે આ નિવેદન આપ્યું, તેના 5 દિવસ બાદ જ પાર્ટી દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
આજે જ્યારે આ બેઠક પર ભાજપ ઉમેદવાર વિજેતા થતાં સી.આર. પાટીલે માવજી પટેલને આડેહાથ લીધા હતા. પાટીલે જણાવ્યું કે, કોંગ્રેસે વાવની ચૂંટણીમાં ભાજપમાંથી એક વ્યક્તિને ત્રિપાંખીયા જંગ માટે ઉભા રાખ્યા હતા. પેટાચૂંટણીમા ભારતીય જનતા પાર્ટીના પાવરના સ્વાદે માવજીભાઇ પટેલને ધૂળ ચાટતા કરી દીધા.કોંગ્રેસના લોકસભામા જીતેલા ઉમેદવાર લોકસભા ચૂંટણીમા ચાલુ ધારાસભ્ય હોવા છતા વાવના મતદારોએ તેમને નકાર્યા.વાવના મતદારોએ લોકસભાની ચૂંટણીમાજ કોંગ્રેસથી નારાજ થઇ મતદાન કર્યુ હતું.
