Rajkot: શહેરના કુવાડવા રોડ પર આવેલ ડીમાર્ટ સામે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. પૈસાની ઉઘરાણી બાબતે થયેલા સામાન્ય ઝઘડાએ એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે બે શખ્સોએ એકબીજાને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના મોરબી રોડ પરની સોસાયટીમાં રહેતા સુનિલભાઈ (30) અને કોઠારિયા વિસ્તારમાં રહેતા જયદીપભાઈ (22) વચ્ચે છેલ્લા ઘણાં સમયથી પૈસાની લેવડ-દેવડ બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. ગઈકાલે સુનિલભાઈ ગોંડલ હતા, ત્યારે જયદીપે તેમને ફોન કરીને રાજકોટ બોલાવ્યા હતા.
જે બાદ સાંજના આશરે 6:00 વાગ્યાના સુમારે કુવાડવા રોડ પર આવેલ એક ફર્નિચરના શોરૂમમાં બંને વચ્ચે મુલાકાત થઈ હતી. જ્યાં વાતચીત દરમિયાન મામલો બિચકતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ સુનિલભાઈએ ઉશ્કેરાઈ જઈને પોતાના શરીર પર પેટ્રોલ છાંટ્યું હતું અને સાથે જ સામે ઉભેલા જયદીપ પર પણ પેટ્રોલ ફેંકી આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ ભયાનક ઘટનામાં બંને યુવકો શરીરના ભાગે સામાન્ય દાઝી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંનેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે બંનેને ગંભીર ઈજાઓ પહોંચી ન હોવાથી પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.હાલ આ મામલે સ્થાનિક પોલીસે પૈસાની ઉઘરાણીના વિવાદને કેન્દ્રમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે.
