Rajkot: શાપર વેરાવળમાં પરપ્રાંતિય યુવકની હત્યા, દારૂના નશામાં ધૂત મિત્રએ ધક્કો મારીને પહેલા માળેથી નીચે ફેંકી દીધો

દારૂ પીધા પછી મિત્રનો મોબાઈલ ખોવાઈ જતાં તેણે ઘરે આવીને 'મારો મોબાઈલ તેજ લીધો છે' કહીને ધક્કો મારતાં યુવક પહેલા માળેથી નીચે પટકાયો હતો. સિવિલમાં સારવાર બાદ ઘરે લાવતાં દમ તોડ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Mar 2026 08:09 PM (IST)Updated: Thu, 05 Mar 2026 08:09 PM (IST)
rajkot-news-migrant-worker-thrown-from-first-floor-by-drunk-friend-in-shapar-veraval-dies-during-treatment
HIGHLIGHTS
  • યુવકના અકાળે મોતથી સાત સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
  • શાપર વેરાવળ પોલીસે આરોપીને સકંજામાં લીધો

Rajkot: શાપર વેરાવળમાં ધૂળેટીની રાતે પરપ્રાતિય યુવાનની મિત્રના હાથે જ હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સાથે દારૂ પીધા બાદ મિત્રએ ઘરે આવી મોબાઈલ મામલે ઝપાઝપી કરી પ્રથમ માળેથી ફેંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનુ મોત નીપજ્યુ હતું. આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ બિહારનો વતની અને હાલ શાપર-વેરાવળમાં કિસાન ગેઈટની અંદર રાજ મેટલ નામના કારખાનાની ઓરડીમાં રહેતો શ્રવણ તાતી (ઉ.33) નામનો યુવાન ગઈકાલે સાંજે તેના મિત્ર સાથે દારૂ પીવા ગયો હતો. જ્યાંથી પરત ઘરે આવ્યા બાદ થોડીવાર બાદ તેનો મિત્ર પણ દારૂના નશામાં ઘરે ધસી આવ્યો હતો.

બન્ને દારૂ પીવા બેઠા ત્યારે આરોપીનો મોબાઈલ ચોરાઈ ગયો હતો. આથી શ્રવણે મોબાઈલ ચોરી લીધાની શંકા રાખી 'તેજ મોબાઈલ ચોરી લીધો છે' તેમ કહી તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. આ દરમિયાન પ્રથમ માળેથી ધક્કો મારી પાડી દેતાં શ્રવણ નીચે પટકાયો હતો. જેમાં તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં સારવાર અપાવ્યા બાદ તેને ઘરે લઈ જવાયો હતો. જે બાદમાં તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો આ અંગે શાપર વેરાવળ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હત્યાનો ગુનો નોંધી આરોપી મિત્રને શકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઈ બે બહેનમાં વચેટ અને તેને સંતાનમાં ચાર પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.