પાકિસ્તાનના પાસપોર્ટ કરતાં રાજકોટના ગરબાના પાસની કિંમત વધુ! 319 પરિવારોને નાગરિકતા આપતા જ કેમ આવું બોલ્યા હર્ષ સંઘવી?

રાજકોટમાં આયોજિત સમારોહમાં હર્ષ સંઘવીના હસ્તે 319 પાકિસ્તાની વિસ્થાપિતોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા. નવરાત્રી ટાણે દિવાળી જેવો માહોલ સર્જાયો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 15 Oct 2026 10:10 PM (IST)Updated: Thu, 15 Oct 2026 10:10 PM (IST)
indian-citizenship-certificates-were-awarded-to-319-displaced-persons-in-rajkot-by-deputy-chief-minister-harsh-sanghavi

CAA Citizenship Certificate: રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે આજે અત્યંત ભાવનાત્મક માહોલ વચ્ચે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ યોજાયો હતો. વર્ષોથી પાકિસ્તાનમાં અસહ્ય યાતનાઓ અને પીડા વેઠીને ભારત આશ્રય લેવા આવેલા 319 વિસ્થાપિતોને જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ “મુસ્કુરાઈએ આજ સે આપ સબ ભારત કે નાગરિક હૈ..” કહીને નાગરિકતા પત્ર આપ્યા, ત્યારે ઉપસ્થિત લોકોની આંખો હરખના આંસુથી ભીની થઈ ગઈ હતી. નવરાત્રીના પાંચમા નોરતે યોજાયેલા આ કાર્યક્રમમાં તમામ લાભાર્થીઓના ઘરમાં દશેરા પહેલાં જ દિવાળી જેવો ઉત્સવનો માહોલ સર્જાયો હતો.

વડાપ્રધાન મોદી અને CAA કાયદાનો આભાર

કાર્યક્રમમાં ઉપસ્થિત વિસ્થાપિતોને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મક્કમ નિર્ણય અને CAA કાયદાના અમલીકરણને કારણે જ આજે આ પરિવારો પોતાના જ દેશમાં સન્માનભેર જીવી શકશે. તેમણે પાકિસ્તાનના થરપારકર અને હૈદરાબાદમાં હિન્દુ પરિવારો પર થતા અત્યાચારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પાકિસ્તાનમાં બહેનો ઘરની બહાર નીકળી શકતી નહોતી, પરંતુ આજે તેમને સાચી આઝાદી મળી છે. આ તકે તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે- પાકિસ્તાનના પાસપોર્ટ કરતાં તો આપણા રાજકોટના ગરબાના પાસનું મૂલ્ય વધારે છે.

naidunia_image

naidunia_image

જિલ્લાવાર આંકડા જોઈએ તો આજે રાજકોટના 259, મોરબીના 53, કચ્છના 06 અને સુરેન્દ્રનગરના 01 મળીને કુલ 319 વિસ્થાપિતોને સત્તાવાર રીતે ભારતનું સિટિઝનશિપ સર્ટિફિકેટ સુપ્રત કરવામાં આવ્યું હતું.

naidunia_image

24 કલાકમાં લૂંટ-હત્યાનો કેસ ઉકેલવા બદલ રાજકોટ પોલીસની સરાહના

પોતાના સંબોધન દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ ગતરાત્રે રાજકોટમાં બનેલી સોનાની લૂંટ અને હત્યાની ગંભીર ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં મુદ્દામાલ સાથે તમામ આરોપીઓને પકડી પાડવા બદલ રાજકોટ શહેર પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય જિલ્લાની પોલીસની 50થી વધુ ટીમોની કામગીરીને બિરદાવી હતી. તેમણે ઉમેર્યું કે પોલીસે એકતરફ ખડેપગે રહીને નાગરિકોના ગરબા મહોત્સવમાં આંચ આવવા ન દીધી અને બીજી તરફ ગુનેગારોને પણ જેલભેગા કરી દીધા.

naidunia_image

naidunia_image

શરણાર્થીઓના જીવનમાં ઉજાસ આવ્યો: પુરષોત્તમ રૂપાલા

આ પ્રસંગે સાંસદ પુરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, સી.એ.એ. કાયદો એ કેન્દ્ર સરકારનો એક માનવતાવાદી અભિગમ છે. આ કાયદો કોઈની નાગરિકતા છીનવવા માટે નહીં, પરંતુ વર્ષોથી નિરાધાર બનેલા શરણાર્થીઓને પોતાના દેશમાં સન્માન આપવા માટે બનાવવામાં આવ્યો છે.

naidunia_image

કાર્યક્રમ દરમિયાન ગુજરાતની દીકરીઓની સુરક્ષા બદલ આભાર વ્યક્ત કરતા એક કિશોરીએ નાયબ મુખ્યમંત્રીના કપાળે તિલક કરીને રક્ષાબંધનની ઉજવણી પણ કરી હતી. આ પ્રસંગે મેયર ડૉ. નેહલ શુક્લ, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યો અને જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

naidunia_image