રાજકોટ મેડિકેર હોસ્પિટલની ઘોર બેદરકારીઃ તબીબની ભૂલે પરિણીતાની હસતી-ખેલતી જિંદગી બરબાદ કરી નાંખી

સામાન્ય તાવની સારવારમાં મેડિકેર હોસ્પિટલના તબીબે હેવી ડોઝના ઈન્જેક્શન આપતા પરિણીતાની ચામડી ઉખડી ગઈ અને માથાના વાળ પણ ખરી પડ્યા. મહિલાને ડાયાબિટીસની બીમારી લાગુ થઈ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 26 May 2026 05:33 PM (IST)Updated: Tue, 26 May 2026 05:33 PM (IST)
rajkot-news-medicare-hospital-medical-negligence-doctor-mistake-ruins-wifes-happy-life
HIGHLIGHTS
  • ખોટી સારવારના ડૉ. અમિત વરસાણીએ રૂ. 25 લાખ ખંખેરી લીધાનો પરિવારનો આક્ષેપ
  • દર્દીના નસીબના કારણે દવાનું રિએક્શન આવ્યું હશે, જવાબદારીથી છટકવા માંગતા તબીબનો ઉડાઉ જવાબ

Rajkot: રાજકોટ શહેરમાં આવેલી જાણીતી મેડિકેર હોસ્પિટલના તબીબોની ઘોર બેદરકારીનો એક અત્યંત ચોંકાવનારો અને સનસનીખેજ મામલો સામે આવ્યો છે. હોસ્પિટલના ડો. અમિત વરસાણીની એક ગંભીર ભૂલના કારણે જામનગર જિલ્લાના કાલાવડના વતની એવા પરિણીત મહિલા હિનાબા જાડેજાની હસતી-ખેલતી જિંદગી સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હોવાનો આક્ષેપ તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે.

મેડિકેર હોસ્પિટલના સત્તાધીશો અને તબીબોની લાપરવાહીને કારણે દર્દીને શારીરિક રીતે અસહ્ય યાતનાઓ ભોગવવાનો વારો આવ્યો છે, જેને પગલે પીડિત પરિવારમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને તેમણે ન્યાય મેળવવા માટે સોશિયલ મીડિયાથી લઈને ઉચ્ચ સ્તરે રજૂઆતો શરૂ કરી છે.

હેવી ડોઝ દવાની આડઅસરથી પરિણીતાને કાયમી ડાયાબિટીસ ઘર કરી ગયો

હિનાબા જાડેજાને સામાન્ય તાવની ફરિયાદ હોવાથી તેમને સારવાર અર્થે રાજકોટની મેડિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફરજ પરના ડો. અમિત વરસાણી દ્વારા દર્દીને ઇન્જેક્શન અને દવાઓના અત્યંત હેવી ડોઝ આપવામાં આવ્યા હતા. આ આડેધડ અને હેવી ડોઝની દર્દીના શરીર પર એટલી ઘાતક અને નકારાત્મક અસર થઈ કે જોતજોતામાં હિનાબાના માથાના તમામ વાળ ખરી ગયા હતા.

આટલું જ નહીં, દવાઓના તીવ્ર રિએક્શનના કારણે તેમના આખા શરીરની ચામડી પણ આપોઆપ ઉખડવા લાગી હતી. આ ગંભીર આડઅસરોની વચ્ચે ખોટી સારવારના કારણે મહિલાને કાયમી ધોરણે ડાયાબિટીસની ગંભીર બીમારી પણ લાગુ પડી ગઈ હોવાનો પરિવારે સનસનીખેજ આક્ષેપ કર્યો છે.

પરિવારજનોના જણાવ્યા અનુસાર, જ્યારે મહિલાની સ્થિતિ સુધરવાને બદલે વધુ બગડતી ગઈ ત્યારે તેમણે અન્ય નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવાનું નક્કી કર્યું હતું. અન્ય તબીબે જ્યારે હિનાબાની સ્થિતિ અને તેમની ચાલી રહેલી દવાઓનું નિરીક્ષણ કર્યું ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

આ અન્ય ડોક્ટરના માર્ગદર્શન હેઠળ ડો. અમિત વરસાણી દ્વારા આપવામાં આવેલી તમામ દવાઓ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે દર્દીનો જીવ બચાવી શકાયો હતો. જો કે, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને મહિલાનું શરીર ગંભીર રીતે રોગગ્રસ્ત બની ચૂક્યું હતું.

આ સમગ્ર કથિત સારવાર દરમિયાન મેડિકેર હોસ્પિટલ પ્રશાસન દ્વારા સંવેદનશીલતા દાખવવાને બદલે માત્ર આર્થિક લૂંટ ચલાવવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે. હોસ્પિટલ દ્વારા પીડિત પરિવાર પાસેથી સારવાર અને દવાઓના નામે રૂ. 25 લાખથી પણ વધુની મસમોટી રકમનું બિલ વસૂલવામાં આવ્યું હતું.

મધ્યમવર્ગીય પરિવારે પોતાના સ્વજનનો જીવ બચાવવા માટે આટલી મોટી રકમ તો ચૂકવી દીધી, પરંતુ આટલો જંગી ખર્ચ કર્યા બાદ પણ પરિણામ શૂન્ય રહ્યું હતું. હોસ્પિટલને લાખો રૂપિયા ચૂકવ્યા બાદ પણ હિનાબાને નવું જીવન મળવાને બદલે જીવનભરનું અસહ્ય દુ:ખ અને શારીરિક પીડા ભેટમાં મળી છે, જેના કારણે પરિવાર માનસિક રીતે પણ ભાંગી પડ્યો છે.

હોસ્પિટલના બંને માલિક ડોક્ટરોના વિરોધાભાસી નિવેદનો,એકે કહ્યું દર્દીના નસીબ એવા હશે!!!
મેડિકેર હોસ્પિટલની આ ઘોર બેદરકારીનો મામલો જ્યારે જાહેરમાં આવ્યો અને મીડિયા સમક્ષ પહોંચ્યો, ત્યારે હોસ્પિટલના સત્તાધીશો અને જવાબદાર તબીબો પોતાની ભૂલ સ્વીકારવાને બદલે બચાવ મુદ્રામાં આવી ગયા છે.

આશ્ચર્યની વાત એ છે કે આ ગંભીર ઘટના અંગે હોસ્પિટલના બે મુખ્ય ડોક્ટરોના તદ્દન અલગ-અલગ અને પરસ્પર વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે, જેમના પર આ ગંભીર સારવાર કરવાનો અને બેદરકારી દાખવવાનો મુખ્ય આરોપ છે, તેવા ડો. અંકુર વરસાણીએ પોતાની જવાબદારીમાંથી હાથ ધોઈ નાખતા એવું નિવેદન આપ્યું હતું કે, 'દર્દીએ અહીંયાથી ગેસ્ટ્રોલોજીસ્ટ ડો. નીરવ પીપળીયાની સારવાર પણ લીધી હતી અને તે દવાઓના કારણે શરીરમાં આવું રિએક્શન આવ્યું છે. આમ તેમણે પોતાની ભૂલ છુપાવવા માટે દોષનો ટોપલો અન્ય ડોક્ટર પર ઢોળી દીધો હતો.

બીજી તરફ હોસ્પિટલના અન્ય એક ભાગીદાર ડોક્ટર અંકુર વસાણીએ આ સંવેદનશીલ મામલે અત્યંત બિનજવાબદાર અને આઘાતજનક નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'દર્દીના નસીબ જ એવા હશે, નસીબના કારણે આવું રિએક્શન આવ્યું છે, આમાં કોઈનો કોઈ વાંક નથી'