Rajkot: વીંછિયાના છાસિયા ગામે યુવકની ક્રૂર હત્યા, જૂની અદાવતમાં ફિલ્મી સ્ટાઈલમાં ચાલુ બાઈકે ધારીયું ઝીંકી ઢાળી દીધો

મૃતક અને હત્યારા વચ્ચે 3 વર્ષથી માથાકૂટ ચાલતી હતી અને અવારનવાર બન્ને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. અગાઉ હત્યારાએ 'હું તારી પત્નીને લઈ જઈશ' ધમકી આપીને મકાનમાં આગ ચાંપી હતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 26 May 2026 05:11 PM (IST)Updated: Tue, 26 May 2026 05:11 PM (IST)
rajkot-crime-news-brutal-murder-of-a-young-man-in-chhasiya-village-of-vinchhiya
AI Image
HIGHLIGHTS
  • ઓરી ગામ સ્થિત સાસરીમાંથી પરત આવતી વખતે રસ્તામાં જ યુવકને રહેંસી નાંખ્યો

Rajkot Crime News: રાજકોટ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઈ હોય તેમ સાત દિવસ પૂર્વે જ જસદણ, પડધરી અને ગોંડલમાં ખૂની ખેલ ખેલાયા હતાં. જે ઘટનામાં હજુ પોલીસ તપાસ કરી રહી છે, ત્યારે વિંછીયા તાલુકાના છાસિયા ગામે જૂની અદાવતમાં ઓરી ગામથી છાસિયા આવતાં બાઈક ચાલક યુવકને એક શખ્સે ચાલુ બાઈકે ધારીયુ ઝીંકી દીધું હતું. લોહી લુહાણ હાલતમાં ઢળી પડેલા યુવકનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની અને ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વિંછીયા તાલુકાના છાસિયા ગામે રહેતાં જસમતભાઈ ઉર્ફે મનસુખભાઈ માવજીભાઈ મકવાણા (32) સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈ છાસિયા ગામના જૂના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે રમેશ લીંબાભાઈ જોગરાજીયા નામના શખ્સે જસમત ઉર્ફે મનસુખ મકવાણાને ચાલુ બાઈકે ધારીયુ ઝીંકી દીધું હતું.

આ હુમલામાં ઘવાયેલો યુવાન લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. યુવકને સારવાર મળે તે પૂર્વે જ યુવાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

આ ઘટનાની જાણ થતાં વિંછીયા પોલીસ મથકનો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

પ્રાથમિક પુછપરછમાં મૃતક જસમત ઉર્ફે મનસુખ મકવાણા એક ભાઈ એક બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક 18 વર્ષની પુત્રી અને 10 વર્ષનો પુત્ર છે. મૃતક જસમત ઉર્ફે મનસુખ મકવાણા અને હત્યારા રમેશ જોગરાજીયા વચ્ચે છેલ્લા ત્રણેક વર્ષથી નજીવા પ્રશ્નને લઈને માથાકૂટ ચાલે છે.

મનસુખ ઉર્ફે જસમત મકવાણા ઓરી ગામે રહેતાં તેના સસરાના ઘરેથી ઈમિટેશનનું કામ લઈ સાંજના સમયે છાસિયા ગામે પરત ફરી રહ્યો હતો ત્યારે જુના બસ સ્ટેશન પાસે પહોંચતાં જુની અદાવતનો ખાર રાખી રમેશ જોગરાજીયાએ બાઈક ચાલક મનસુખ ઉર્ફે જસમત મકવાણાને ધારીયાનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વિંછીયા પોલીસે હત્યાનો ગુનો નોંધવા અને હત્યારા શખ્સને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

'તારી પત્નીને હું લઈ જઈશ'- કહી હત્યારાએ મકાનમાં આગ ચાંપી ધમકી આપી હતી

વિંછીયાના છાસિયા ગામે મનસુખ ઉર્ફે જસમત મકવાણાની જૂની અદાવતમાં છાસિયા ગામના રમેશ લીંબાભાઈ જોગરાજીયાએ ધારીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ ઘટનાને પગલે ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

મૃતક અને હત્યારા શખ્સ વચ્ચે છેલ્લા ત્રણેક વર્ષથી નજીવા પ્રશ્નને માથાકૂટ ચાલતી હતી અને અવારનવાર બન્ને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. હત્યારા શખ્સે ત્રણ વર્ષ પૂર્વે જસમત ઉર્ફે મનસુખ મકવાણાની વાડીએ જઈ મકાનમાં આગ ચાંપી હતી, જે અંગે પોલીસ ફરિયાદ પણ થઈ હતી.

જો કે પોલીસે કોઈ કાર્યવાહી નહીં કર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે અને હત્યારા શખ્સે મૃતક જસમત ઉર્ફે મનસુખ મકવાણાને ‘તારી પત્નીને હું લઈ જઈશ’ તેવી ધમકી પણ આપી હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે.