હદ થઈ ગઈ ભાઈ! રાજકોટના મેક-ડોનાલ્ડ્સમાં ગ્રાહકોની વચ્ચે ટેબલ પર બિન્દાસ ફરતા દેખાયા ઉંદરો, દ્રશ્યો જોઈને ખાવાનું ભૂલી જશો!

રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી સ્થિત મેક-ડોનાલ્ડ સ્ટોરની અંદર ઉંદરો ફરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 22 Sep 2026 12:00 AM (IST)Updated: Tue, 22 Sep 2026 12:06 AM (IST)
rajkot-mcdonalds-rat-video-sparks-health-concerns

Rajkot McDonald's Rat Video: રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા જાણીતા ફૂડ આઉટલેટ 'મેક-ડોનાલ્ડ' (McDonald's) સ્ટોરની ગંભીર બેદરકારીનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ સ્ટોરની અંદર ગ્રાહકો બેસીને ખાણી-પીણીનો આનંદ માણતા હોય છે, તે જ ડાઇનિંગ એરિયામાં ટેબલ અને ખુરશીઓ પર મુક્તપણે ઉંદરો આંટાફેરા કરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાઈરલ થયો છે. આ ઘટનાને પગલે ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે અને ફૂડ સેફ્ટી સામે મોટા સવાલો ઉભા થયા છે.

વાયરલ વીડિયોમાં ખુલી પોલ: McCafé ના કાઉન્ટર પાસે દેખાયા ઉંદરો

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યાં ગ્રાહકો બેસીને ફૂડ આરોગે છે, ત્યાં જ ટેબલો અને બેસવાની જગ્યા પર બે મોટા ઉંદરો બેફામ રીતે દોડદોડી કરી રહ્યા છે. આ દૃશ્ય કોઈ જાગૃત ગ્રાહકે પોતાના મોબાઈલના કેમેરામાં કેપ્ચર કરી લીધું હતું. વીડિયોમાં સ્ટોરના કાઉન્ટર પર McCaféનું બોર્ડ અને મેનૂ પણ સ્પષ્ટ નજરે ચડે છે, જે આ સ્થળ મેક-ડોનાલ્ડનું જ હોવાની પુષ્ટિ કરે છે.

ગંભીર બીમારીઓ ફેલાવાનું મોટું જોખમ

આ પ્રકારે રેસ્ટોરન્ટની અંદર ઉંદરોનું ખુલ્લેઆમ ફરવું તે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં સમાન છે. ઉંદરો જેવા જીવો ખાદ્યપદાર્થો અથવા ટેબલ-ખુરશીના સંપર્કમાં આવવાથી લેપ્ટોસ્પિરોસિસ, સાલ્મોનેલા અને ફૂડ પોઈઝનિંગ જેવી ગંભીર બીમારીઓ ફેલાવવાનું જોખમ અનેકગણું વધી જાય છે. આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક નાગરિકો અને ખાણી-પીણીના શોખીનોમાં ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે.

આરોગ્ય વિભાગની એન્ટ્રી અને મેનેજરનો નબળો બચાવ

વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ગ્રીનલેન્ડ ચોકડી સ્થિત મેક-ડોનાલ્ડ સ્ટોર પર ત્રાટકીને સઘન તપાસ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગની પૂછપરછ દરમિયાન સ્ટોરના મેનેજરે પોતાની નૈતિક જવાબદારીમાંથી છટકવા માટે એવો બચાવ કર્યો હતો કે આ ઉંદરો બાજુમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઈટ પરથી સ્ટોરની અંદર આવી ચડ્યા હતા.

આ સમગ્ર મામલે આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં વીડિયો ગ્રીનલેન્ડ ચોકડી પાસેના મેક-ડોનાલ્ડનો હોવાનું સામે આવતા અમારી ટીમ ત્યાં પહોંચી હતી, જેમાં આ વીડિયો અને આસપાસની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.