Rajkot: શહેરમાં નાના માણસોને વ્યાજખોરોની ચુગાંલમાંથી બચાવવા માટે અગાઉ પોલીસ દ્વારા લોકદરબાર યોજાયા હતાં. જો કે પોલીસના લોકદરબાર પછી પણ વ્યાજખોરો જાણે બેફામ હોય તેમ અવારનવાર વ્યાજખોરોના ત્રાસથી નિર્દોષ લોકો જીવ ગુમાવવા મજબૂર બન્યાના બનાવો સામે આવી રહ્યાં છે. આવા જ એક વધુ બનાવમાં વ્યાજખોરોના ત્રાસથી પિતા-પુત્ર અને પુત્રીએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે.
મવડી વિસ્તારમાં આવેલા આંબેડકરનગરમાં રહેતાં પરિવારે વ્યાજખોરો પાસેથી લીધેલા રૂા.40-45 લાખ વ્યાજ સહિત ચુકવી દેવા છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી હેરાન કરતાં હોય જેથી કંટાળી પરિવારે સ્યુસાઈડ નોટ લખી ફિનાઈલ પી લેતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભોગ બનનાર પરિવારે લખેલી સ્યુસાઈડ નોટમાં 10 વ્યાજખોરોના નામ લખી ન્યાય માટે પોલીસ કમિશ્નરને ગુહાર લગાવવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, મવડી વિસ્તારમાં ગુરૂપ્રસાદ ચોક પાસે આવેલા આંબેડકરનગર શેરી નં.12માં રહેતાં નાગજીભાઈ મનજીભાઈ બાબરીયા (ઉ.60) તેના પુત્ર સંજય (ઉ.35) અને પુત્રી પુજા (ઉ.30)એ આજે સવારે 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે સામુહિક ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ મામલે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ આપઘાતનો પ્રયાસ કરનાર પરિવારના નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં નાગજીભાઈ કડીયા કામ કરે છે, તેમનો પુત્ર સંજય પીજીવીસીએલમાં રોણકી સબ ડીવીઝનમાં જુનિયર આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. આપઘાતનો પ્રયાસ કરનાર પરિવારે પોલીસ કમિશ્નરને સંબોધીને લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં વ્યાજખોર તરીકે જયદેવભાઈ વિરડા, ભુવનેશ ચુડાસમા, દેવશી ચોટાલા, જીગર ટાંક, ચેતન સરવૈયા, પ્રદીપ ઘાડીયા, કિશન સિતાપરા, ધ્રુવ દવે, આનંદ પટેલ અને મોહિત સવસાણીના નામ લખ્યા છે.
વધુમાં જણાવ્યા મુજબ, તેમણે નાણાની જરૂરીયાત હોવાથી વ્યાજખોરો પાસેથી 15 થી 20 ટકાના વ્યાજે 40-45 લાખ રૂપિયા લીધા હોય, જે નાણાં વ્યાજ સહિત ચુકવી દેવા છતાં વ્યાજખોરો અવારનવાર ઘરે આવી , ફોન કરી પઠાણી ઉઘરાણી કરતાં હોય અને પુત્ર ઓફિસે હોય ત્યારે તેની ઓફિસે જઈ પણ હેરાન કરી ત્રાસ આપતાં હોય તેઓનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હોય જેના કારણે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યાનું જણાવાયું હતું. સ્યુસાઈડ નોટમાં પરિવાર દ્વારા વ્યાજખોરોને ફાંસી સજા આપવા અને ન્યાય મળે તેવી માંગણી કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.