Rajkot: શહેરના ગોંડલ રોડ પર આવેલા ગોકુલધામ આવાસ કવાર્ટરમાં પ્રેમિકાના ઘરે જ પ્રેમીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. સામાકાંઠે સંતકબીર રોડ પર રહેતાં યુવાનને છ વર્ષથી પ્રેમ સંબંધ હતો. જો કે પ્રેમિકાને અન્ય સાથે પણ સંબંધ હોવાથી યુવાને આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સંતકબીર રોડ પર હાઉસિંગ બોર્ડ કવાર્ટરમાં રહેતાં અશોક રમેશભાઈ પલાણ (ઉ.38) નામના યુવાને આજે વહેલી સવારે ગોકુલધામ આવાસ કવાર્ટરમાં રહેતી તેની પ્રેમિકા રેશ્માબેનના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક અશોક બે બહેનનો એકનો એક મોટો ભાઈ હતો. તેના અગાઉ લગ્ન થયા બાદ 10 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતાં. તેને સંતાનમાં એક પુત્રી હોવાનું અને મૃતક છુટક મજુરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.
અશોકને છ વર્ષથી રેશ્મા સાથે પ્રેમ સંબંધ હતો. રેશ્માના પણ અગાઉ છૂટાછેડા થઈ ગયા હતાં. અશોક અવારનવાર પ્રેમિકા રેશ્માના ઘરે જતો આવતો હતો. આ દરમિયાન રેશ્માને અન્ય યુવકો સાથે પણ સંબંધ હોવાનું જણાઈ આવતાં અશોકને રેશ્મા ફસાવી દેશે તેવી શંકા ઉપજતાં તેણે પ્રેમિકાના ઘરે જ જીવન ટૂંકાવી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે માલવીયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
