Rajkot: રાજકોટ જિલ્લામાં ખાખીનો ખોફ ઓસર્યો હોય તેમ ક્રાઇમના ગ્રાફમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે, એવામાં હત્યાની વધુ એક ઘટનામાં શાપર-વેરાવળમાં કારખાનામા સાથે કામ કરતા બે બિહારી યુવાને સંધ્યા ટાણે કારખાનાની છત પર સાથે દારૂ ઢીંચ્યો હતો. જે બાદ દારૂના નશામાં ભાન ભૂલેલા શ્રમિકે ઝઘડો કરી સહકર્મીને ચુલા, લોઢી અને લાકડાના ધોકા વડે માર મારી હત્યા કરી હતી.
શાપરમાં આવેલ સુહાની એન્જિનીયરીંગ નામના કારખાનામાં કામ કરતા અને કારખાનાની રૂમમાં જ રહેતા ગુડુકુમાર બાલકદાસ મહંતો (35) સાંજના સાતેક વાગ્યાના અરસામા કારખાનાના રૂમની છત પર હતો. આ સમયે બાજુમાં જ રહેતા શ્રમિક ધીરજકુમાર ભલનભાઇ તાંતી નામના શખ્સે ઝઘડો કરી ચુલા, લોઢી અને ધારદાર લાકડા વડે માર માર્યો હતો.
આ પણ વાંચો
યુવકને નાક, કાન અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં તાત્કાલીક સારવાર માટે શાપર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા ફરજ પરના તબીબે યુવકને નિષ્પ્રાણ જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો.
મૃતકે પત્નીની ગેરહાજરીમાં બાજુની રૂમમાં રહેતા સહકર્મી સાથે દારૂની પાર્ટી કરી હતી
આ અંગે જાણ થતાં શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે મૃતક ગુડુકુમાર મહંતોના કૌટૂંબિકભાઇ બહાદુર સુભાષભાઇ મહંતોએ શાપર-વેરાવળ પોલીસમાં ધીરજકુમાર ભલનભાઇ તાંતી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક ગુડુકુમાર મહંતો મૂળ બિહારનો વતની હતો. ગુડુકુમાર પાંચ ભાઇ બે બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. ગુડુકુમાર મહંતોની પત્ની ગુડીયાદેવી ચાર દિવસ પૂર્વે જ પોતાના વતનમાં લગ્ન પ્રસંગ હોવાથી બિહાર ગઇ છે. ગુડુકુમાર મહંતોની બાજુમાં જ રહેતા અને સાથે કામ કરતા બિહારના ધીરજકુમાર તાંતીએ સંધ્યા ટાણે ગુડુકુમાર મહંતો સાથે દારૂ પીધો હતો.
દારૂના નશામાં બંને વચ્ચે બોલાચાલી થયા બાદ દારૂના નશામાં ભાન ભુલેલા ધીરજકુમાર તાંતીએ સહકર્મચારી ગુડુકુમાર મહંતો ઉપર જીવલેણ હુમલો કરી હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે. ફરિયાદના આધારે શાપર-વેરાવળ પોલીસે હત્યારા શખ્સને સંકજામાં લઇ તપાસનો દોર લંબાવ્યો છે.
