Dahod: દાહોદ જિલ્લાના ત્રિદિવસીય પ્રવાસના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાદગી અને સહજતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રતનમહાલ પ્રોજેક્ટની મુલાકાત પૂર્ણ કર્યા બાદ ગરબાડા તરફ જતી વખતે મુખ્યમંત્રીએ પીપરગોટા ગામ પાસે અચાનક પોતાનો કાફલો અટકાવ્યો હતો. ગામના કાચા રસ્તા પર પગપાળા ચાલીને તેઓ સ્થાનિક આદિજાતિ ખેડૂત બકુલભાઈ વાખળાના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીએ બકુલભાઈ વાખળા અને તેમના પરિવારજનો સાથે મકાઈની ખેતી, પાકમાંથી મળતી ઉપજ તેમજ પરિવારની આજીવિકા અંગે વિગતવાર ચર્ચા કરી હતી. પરિવારના બાળકો સાથે પણ તેમણે વાત્સલ્યસભર સંવાદ કરીને શાળા અને અભ્યાસ અંગે પૃચ્છા કરી હતી.
નાનકડા આદિવાસી ગામમાં મુખ્યમંત્રીની અણધારી મુલાકાતથી ગ્રામજનોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. સામાન્ય પરિવાર સાથે સીધો સંવાદ સાધતા મુખ્યમંત્રીની સરળ શૈલીથી ગ્રામજનોને જાણે પોતાના જ પરિવારના કોઈ વડીલ ઘરે ખબરઅંતર પૂછવા આવ્યા હોય તેવો અનુભવ થયો હતો.
નંદઘર-આંગણવાડીમાં ભૂલકાંઓ સાથે 'દાદા'નો સ્નેહ
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીપરગોટાના નંદઘર-આંગણવાડી કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. જ્યાં ઉપલબ્ધ સુવિધાઓ અને બાળકોને અપાતી પોષણલક્ષી સેવાઓનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ હોદ્દાની ઔપચારિકતા બાજુએ મૂકીને બાળકો સાથે એક વડીલ 'દાદા'ની જેમ પ્રેમપૂર્વક વાતો કરી હતી. આંગણવાડી કાર્યકરો સાથે વાતચીત કરીને મુખ્યમંત્રીએ બાળકોની હાજરી, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, પૌષ્ટિક નાસ્તાની ગુણવત્તા, પોષણયુક્ત આહારની વ્યવસ્થા તેમજ આરોગ્ય સંબંધિત કામગીરીની સમીક્ષા કરી હતી.

બાબાદેવના દર્શન અને સખી મંડળના ઉત્પાદનોનું નિરીક્ષણ
પ્રવાસના બીજા દિવસે મુખ્યમંત્રીએ ધાનપુર તાલુકાના રતનમહાલના ગાઢ જંગલ વિસ્તારમાં આવેલા ભુવેરો ગામના પ્રાચીન બાબાદેવના સ્થાનકે પહોંચીને શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા. આદિવાસી સમાજની ધાર્મિક આસ્થા, પરંપરા અને સંસ્કૃતિના પ્રતીક સમાન આ સ્થાનકે મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે જમીન પર સાદગીપૂર્વક બેસીને વાતચીત કરી હતી અને સ્થાનિક રજૂઆતો તથા પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનોના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. જેમાં પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો, ખજૂરીના પાનમાંથી બનાવેલી છાબડી, હર્બલ સાબુ અને તીર કમાન સહિતની પરંપરાગત બનાવટોનું પ્રદર્શન નિહાળી બહેનોના કૌશલ્યને બિરદાવ્યું હતું.
