Rajkot: રાજકોટમાં આત્મહત્યા અને આપઘાતના પ્રયાસોની ઘટનામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ દ્વારા આત્મહત્યાની ઘટનાઓને રોકવા ડિપ્રેશનમાં રહેતા લોકો માટે જીવન આસ્થા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે. એવામાં મવડી પોલીસ હેડકવાટર્રમાં પોલીસમેન કાકા સાથે રહી પ્રાઇવેટ નોકરી કરતા ભત્રીજાએ કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
મૂળ ગોંડલના સતાપર ગામે વતની અને હાલ રાજકોટમાં મવડી હેડકવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસમેન કાકા અનિલ ધ્રાંગા સાથે રહેતા સતિષ ધ્રાંગા (23)એ ગઈકાલે રાતે બાલ્કીનીમાં લોખંડના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
કાકી વેકેશન કરવા અને પોલીસમેન કાકા ફરજ પર જતાં અંતિમ પગલું ભર્યું
આ અંગે જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.પ્રાથમિક પૂછપરછમાં મૃતક સતીષ ધ્રાંગા તેના માતા-પિતાનો આધારસ્થંભ એકનો એક પુત્ર હતો અને રાજકોટ પોલીસ હેડકવાર્ટરમાં રહેતા અને ફરજ બજાવતા પોલીસમેન અનિલ ધ્રાંગા સાથે રહી પ્રાઇવેટ જોબ કરતો હતો.
કાકી વેકેશન કરવા અને કાકા નોકરી પર ગયા બાદ ઘરે એકલા રહેલા સતીષ ધ્રાંગાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવકના આપઘાતનું કારણ જાણવા તાલુકા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.
