Rajkot: ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે નિવૃતિના સંકેત આપ્યા, કહ્યું- 'હવે હું આરામ કરવા માંગુ છું, પરિવારમાંથી પણ કોઈ નહીં આવે'

આજે 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આટલી મજબૂત ટીમ આપણી પાસે છે. હવે હું આરામ કરું તો પણ વાંધો નથી. મારી જગ્યાએ મારા પરિવારમાંથી કોઈ સભ્ય નહીં આવે તેની ખાતરીઃ નરેશ પટેલ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 23 May 2026 04:16 PM (IST)Updated: Sat, 23 May 2026 04:16 PM (IST)
rajkot-news-khodaldham-trustee-naresh-patel-hints-for-retirement-at-dashabdi-mahotsav
HIGHLIGHTS
  • કાગવડ ખોડલધામના ‘દશાબ્દી મહોત્સવ’ માટે રાજકોટથી માતાજીના 3 ભવ્ય રથ પ્રસ્થાન થયા

Rajkot: આગામી જાન્યુઆરી 2027માં કાગવડ સ્થિત આસ્થાના પ્રતીક સમાન શ્રી ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસર નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ભવ્યાતિભવ્ય ’દશાબ્દી મહોત્સવ 2027’નું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે પોતાની નિવૃતિના સંકેત આપ્યા છે.

’દશાબ્દી મહોત્સવ 2027’ આયોજનના ભાગરૂપે આજ રોજ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે સર્વ સમાજને ભાવભર્યું આમંત્રણ આપવા માટે માતાજીના અલગ-અલગ ત્રણ રથને રાજકોટથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરીને લોકોને આ મહોત્સવને ભવ્યાતિભવ્ય બનાવવા આહવાન કરશે.

આ તકે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું કે, આગામી તારીખ 19, 20 અને 21 જાન્યુઆરી 2027ના રોજ દશાબ્દી મહોત્સવ ખૂબ જ સુંદર અને દિવ્ય રીતે ઉજવવાનો નિર્ણય કરાયો છે. 10 વર્ષ પહેલાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જે રીતે લાખો શ્રદ્ધાળુઓ જોડાયા હતા, તેવી જ રીતે આ ઉત્સવમાં પણ લોકો ભાવથી જોડાશે.

ખુદ માતાજી સાક્ષાત આમંત્રણ આપવા ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચશે

ખોડલધામ ટ્રસ્ટ ક્યારેય કોઈ આમંત્રણ પત્રિકા છપાવતું નથી, પરંતુ ખુદ માતાજી સાક્ષાત આમંત્રણ આપવા ગુજરાતના ખૂણે-ખૂણા સુધી પહોંચે છે. આ વખતે અલગ-અલગ ત્રણ ઝોનમાં માતાજીનો રથ ફરી સર્વ સમાજને દશાબ્દી મહોત્સવમાં પધારવા માટે આમંત્રણ પાઠવશે.

naidunia_image

આ પ્રસંગે નરેશ પટેલે એક મોટું નિવેદન આપીને પોતાની નિવૃત્તિના સંકેત આપ્યા છે. વર્ષ 2027ના મહોત્સવ બાદ તેઓ ટ્રસ્ટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. નરેશ પટેલે જણાવ્યું હતું કે, અહીંયા ઉપસ્થિત ઘણા લોકો 2011થી અને ઘણા 2017થી મારી સાથે જોડાયેલા છે.

naidunia_image

આજે 10 વર્ષ પુરા થઈ રહ્યા છે, ત્યારે આટલી મોટી સક્ષમ ટીમ આપણી પાસે છે. હવે તો હું આરામ કરું તો પણ વાંધો નથી. મારી જગ્યાએ ક્યારેય પણ મારા પરિવારમાંથી કોઈ સભ્ય નહીં આવે એની હું ખાતરી આપું છું.