Rajkot: ગોંડલમાં ગુંડારાજ, જયરાજસિંહ-ગણેશ સામે પડે તેને ફસાવવાની મોડસ ઑપરેન્ડી ચાલે છે: જીગીશા પટેલ

અમિત ખૂંટનું મૃત્યુ પણ શંકાસ્પદ. જે વ્યક્તિ દુષ્કર્મની ફરિયાદ બાદ રિબડા છોડીને ભાગ્યો હતો, તેણે બે દિવસ બાદ તે જ ગામમાં આવીને આત્મહત્યા કેમ કરી?

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 22 May 2025 07:43 PM (IST)Updated: Thu, 22 May 2025 07:43 PM (IST)
rajkot-news-jigisha-patel-raise-question-on-gondal-police-demand-justice-for-amit-khunt-case
HIGHLIGHTS
  • જીગીશા પટેલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પિયુષ રાદડિયાને મળ્યા

Rajkot: ગોંડલમાં સામાજિક અને રાજકીય ધમાસાણ અટકવાનું નામ નથી લઈ રહ્યું છે. ગત 27 એપ્રિલે પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા, જીગીશા પટેલ અને ધાર્મિક માલવિયાએ ગોંડલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ગોંડલને મિર્ઝાપુર સાથે સરખાવતા રાજકીય ગરમાવો આવ્યો હતો. જે બાદ આજે જીગીશા પટેલ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પિયુષ રાદડિયાના ખબર કાઢવા રાજકોટ આવ્યા હતા. જ્યાં તેમણે ગોંડલ પોલીસ પર સનસનીખેજ આક્ષેપ કર્યાં છે.

રાજકોટ પહોંચેલા પાટીદાર મહિલા અગ્રણી જીગીશા પટેલે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પિયુષ રાદડિયાની મુલાકાત લીધી હતી. પિયુષ રાદડિયા યુ-ટ્યૂબર બન્ની ગજેરાને મટીરિયલ પુરું પાડવા અને કોઈ પણ વિરુદ્ધ બફાટ કરવા માટે રૂપિયા આપવાનો આરોપી છે.

જીગીશા પટેલે ગોંડલમાં ગુંડારાજ ચાલતું હોવાનો અને પોલીસ ભાજપ કહે તેમ જ કરતી હોવાનો આક્ષેપ કરતાં જણાવ્યું કે, પિયુષ રાદડિયાને પોલીસ દ્વારા એટલો ટોર્ચર કરવામાં આવ્યો કે, તેની માનસિક હાલત ગંભીર છે. પિયુષને તેના બંધારણીય અધિકારો પણ પુરા આપવામાં આવ્યા નથી. ખુદ પોલીસ પણ આ ષડયંત્રમાં સામેલ છે.

અગાઉ જૂનાગઢના રાજુભાઈ સોલંકી જેમના દીકરા પર જુલમ થયો, ત્યારે તેમણે ગોંડલમાં આવીને જયરાજસિંહ સામે અવાજ બુલંદ કર્યો. જેના થોડા સમયમાં તેમના પર ગુજસીટૉક લાગી જાય છે. નીખિલ ડોંગા જ્યારે જયરાજસિંહના પરિવાર સામે બંડ પોકારે છે, તો તેમના પર પણ ગુજસીટોક લાગે છે. દિનેશ પાતર લુખ્ખા તત્વો સામે અવાજ ઉઠાવે, તો તેમના જેલ યોગ ચાલુ થઈ જાય છે. આવી જ રીતે પિયુષ રાદડિયા પણ ગામમાં રહીને અન્યાયનો સામનો કરે, તો તેના પણ જેલ યોગ શરૂ થઈ ગયો છે. આમ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ સામે કોઈપણ ઉભુ થાય, તો તેને ખોટા કેસમાં ફસાવી દેવાની મોડસ ઓપરેન્ડી ચલાવવામાં આવી રહી છે. પોલીસ પણ તેમા પુરો સાથ આપી રહી છે.

અમિત ખૂંટ આપઘાત મામલે જીગીશા પટેલે જણાવ્યું કે, તેના પર દુષ્કર્મનો કેસ દાખલ થયો ત્યારથી તે ફરાર હતા. આ બે દિવસ દરમિયાન તેઓ કોની સાથે અને ક્યાં હતા? તેની તપાસ થવી જોઈએ. જે વ્યક્તિ રીબડાથી ભાગતી ફરતી હોય, તે જ બે દિવસ બાદ ત્યાં જ આવીને આપઘાત કેવી રીતે કરે? પરિવારે પણ CBI તપાસની માંગ કરવી જોઈએ. અમે પણ અમિત ખૂંટના પરિવાર સાથે જ છીએ અને ન્યાયની માંગ કરીએ છીએ.