Rajkot: કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના મતવિસ્તાર જસદણમાં ભાદર નદીમાં ચાલી રહેલી સુરક્ષા દીવાલની કામગીરીમાં નબળી ગુણવત્તા સામે આવી છે. આ સંદર્ભમાં પ્રદેશ ભાજપના નેતા ડો.ભરત બોઘરા દ્વારા મંત્રી ઈશ્વરસિંહ પટેલને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં પ્રોજેક્ટની ડિઝાઇનમાં ખામી હોવા ઉપરાંત લોખંડ સહિતનું મટીરીયલ તદ્દન નબળું અને ગુણવત્તા વગરનું વપરાતું હોવાની ગંભીર ફરિયાદ કરવામાં આવી છે. પંથકમાં ચાલી રહેલી આ લાલીયાવાડી સામે સવાલો ઉઠાવીને ડો.બોઘરાએ કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી પ્રત્યે ધ્યાન દોર્યું છે.
જસદણ શહેરમાંથી પસાર થતી ભાદર નદીના કિનારે બની રહેલી પુર સંરક્ષણ દીવાલની કામગીરી વિવાદોના ઘેરામાં આવી છે. આ પ્રોજેક્ટમાં નિર્ધારિત ધોરણો અને ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરીને અત્યંત નબળું કામ થઈ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
આ પણ વાંચો
આ ગંભીર બાબતને ધ્યાને લઈને પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય ડો.ભરત કે.બોઘરાએ રાજ્યમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલને પત્ર લખીને આ સમગ્ર મામલે વિજિલન્સ તપાસની માંગ કરી છે.
ભાદર નદીના કિનારે અંદાજે રૂપિયા 10 કરોડના ખર્ચે પુર સંરક્ષણ દીવાલ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે, પરંતુ સ્થળ પર ચાલી રહેલી કામગીરી મૂળ મંજૂર થયેલી ડિઝાઇન અને નકશા મુજબ થતી નથી. કોન્ટ્રાક્ટર દ્વારા આખી દીવાલને સીધી બનાવવાના બદલે સર્પાકાર આકારમાં બનાવવામાં આવી રહી છે, જે પૂરના સમયે નાગરિકોના રક્ષણ માટે જોખમી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત કામગીરીની ગુણવત્તા સામે પણ મોટા સવાલો ઊભા થયા છે.
ભરત બોઘરાએ લખેલા પત્રમાં કરાયેલા આક્ષેપ મુજબ, દીવાલના બાંધકામમાં જે પ્રકારનું અને જે માત્રામાં લોખંડ વપરાવવું જોઈએ તેના કરતાં ઘણું ઓછું લોખંડ વાપરવામાં આવી રહ્યું છે.
હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરીને સરકારી નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. આ સંદર્ભે પૂર્વ ધારાસભ્ય ડો.ભરતભાઇ બોઘરાએ મંત્રીને રજૂઆત કરી છે કે,આ કામમાં થઈ રહેલી બેદરકારી અને ગેરરીતિ અટકાવવી અનિવાર્ય છે. તેમણે તાત્કાલિક ધોરણે ઉચ્ચ સ્તરીય વિજિલન્સ ટીમને સ્થળ તપાસના આદેશ આપવા માટે વિનંતી કરી છે.
આ પ્રોજેક્ટ સરકારી તિજોરી અને જસદણના વિકાસ સાથે જોડાયેલો હોવાથી તેની કામગીરી ટેન્ડરની શરતો, નકશા, નિયમો અને ગુણવત્તાના ઉચ્ચ ધોરણો મુજબ જ થાય તે સુનિશ્ચિત કરવું જરૂૂરી છે. હવે જોવાનું એ રહેશે કે વિભાગ દ્વારા આ મામલે કેટલી ઝડપી તપાસ હાથ ધરવામાં આવે છે અને કસૂરવારો સામે શું પગલાં લેવાય છે.
