International Driving Permit Online Application: વિદેશમાં કાર ડ્રાઈવ કરવા માટે ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમિટ (IDP) હોવી અત્યંત આવશ્યક છે. IDP કોઈ નવું લાયસન્સ નથી, પરંતુ ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સને યુનાઈટેડ નેશન્સ (UN) તરફથી માન્યતા પ્રાપ્ત બહુભાષી અનુવાદ હોય છે. મોટાભાગે દેખાય તેવો સ્પષ્ટ ફોટો અને અંગ્રેજીમાં બનેલા ભારતીય લાયસન્સ અનેક દેશોએ માન્યતા આપી છે, પરંતુ કેટલાક વિશેષ સંજોગોમાં IDP સાથે રાખવું ફરજિયાત હોય છે.
ખાસ કરીને જાપાન, દક્ષિણ કોરિયા, ઈટલી, સ્પેન અને ગ્રીસ સહિત કેટલાક એવા દેશો છે, જ્યાં ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સને મંજૂરી નથી. જો કે જર્મની અને ફ્રાન્સ જેવા ગણ્યાગાંઠ્યા યુરોપિયન દેશો કામચલાઉ ભારતીય લાયસન્સને સ્વીકૃતિ તો આપે છે, પરંતુ લાયસન્સને સ્થાનિક ભાષામાં ટ્રાન્સલેટ કરાવવું ખૂબ જ જટિલ અને ખર્ચાળ છે.
આવી સ્થિતિમાં ભારતથી જ ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમિટ (IDP) લઈ જવી એક સરળ વિકલ્પ છે. ભલે કોઈ દેશનો કાયદો ભારતીય લાયસન્સને મંજૂરી આપતો હોય, પરંતુ ઘણી કાર રેન્ટલ કંપનીઓ IDP વિના ઈન્ડિયન ટુરિસ્ટને વાહનની ચાવી સોંપવાની સ્પષ્ટ ના પાડી દે છે.
ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમિટ (IDP) ઘરે બેઠા ઑનલાઈન મેળવી શકો છો
હવે તમારે IDP બનાવવા માટે એજન્ટોને પૈસા આપવાની કે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી. તમે માર્ગ પરિવહન મંત્રાલયના સત્તાવાર પોર્ટલ પર સરળતાથી અરજી કરી શકો છો.
- આ માટે પરિવહન સારથી પોર્ટલ ખોલીને તમારું રાજ્ય સિલેક્ટ કરો.
- ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમિટ માટે અરજીનો વિકલ્પ શોધીને ક્લિક કરો
- તમારું ડ્રાઈવિંગ લાયસન્સ નંબર અને જન્મ તારીખ દાખલ કરીને પ્રોફાઈલ ઑથેન્ટિક કરો
- ફોર્મમાં તમારી ઈન્ટરનેશનલ ટુરની તારીખ, જે દેશમાં જવાના છો તેનું નામ અને વિઝાની વિગતો દાખલ કરો
- તમારો પાસપોર્ટ, વીઝા, મેડિકલ સર્ટિફિકેટ અને ફોટો અપલોડ કરો
- હવે IDP ઈસ્યુ કરવા માટેની 1 હજાર રૂપિયા ફી ઑનલાઈન જમા કરાવો
અહીં એક વાતની નોંધ લેશો કે, કેટલાક કિસ્સાઓમાં ડોક્યુમેન્ટની ખારાઈ કરાવવા માટે RTO જવું પડી શકે છે. જે બાદ તમારું IDP સ્પીડ પોસ્ટ થકી તમને મોકલી આપવામાં આવશે.
IDPની અરજી કરવા માટે ક્યા-ક્યા ડોક્યુમેન્ટ જોઈએ?
- તમારું અસ્સલ ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સ (એક્ટિવ હોવું જોઈએ)
- ઓછામાં ઓછા 6 મહિનાની વેલિડિટી ધરાવતો પાસપોર્ટ
- જે દેશમાં જવાના છો, ત્યાંના વીઝા અને કન્ફોર્મ એર ટિકિટ
- કોઈ રજિસ્ટર્ડ MBBS ડોક્ટરની સાઈન થયેલું મેડિકલ સર્ટિફિકેટ
કંઈ બાબતોનું ધ્યાન રાખવું?
પાસપોર્ટ સાઈઝનો ફોટો અને ડિજિટલ સિગ્નેચર પહેલા તૈયાર રાખવી. જ્યારે તમારે વિદેશ પ્રવાસે જવાનું હોય, તેના 15-20 દિવસ પહેલા અરજી કરવી જોઈએ. આ IDP ઈસ્યુ થયા પછી 1 વર્ષ સુધી માન્ય રહેશે.
