VIDEO: રાજકોટ-જામનગર હાઈવે બન્યો રેસિંગ ટ્રેકઃ છાકટા બનેલા નબીરાઓેની ડબલ સવારી એક્સેસ સાથે જોખમી સ્ટંટબાજી

રીલ નબીરાઓના નંબર પ્લેટ વિનાના વાહનો 90 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ભાગી રહ્યા છે. જ્યારે બાઈકની પાછળ બેઠેલો નબીરો વીડિયો બનાવી રહ્યો છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 10 Oct 2025 05:05 PM (IST)Updated: Fri 10 Oct 2025 05:05 PM (IST)
rajkot-news-jamngar-highway-become-racing-track-stunt-video-reels-goes-viral-618311
HIGHLIGHTS
  • 'હોશ મેં આજા, તેરા ધ્યાન કિધર હૈ'- ગીત પર રીલ્સ બનાવી વાયરલ કરી
  • રોડ પર પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા

Rajkot: રાજકોટ-જામનગર હાઇવે પર ફરી એકવાર યુવાનોની બેફામ બાઇક સ્ટંટબાજીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ હાઇવે જાણે સ્ટંટ કરવા માટે જ બનાવવામાં આવ્યો હોય તેમ, એકસાથે ચાર વાહનોમાં ડબલ સવારીમાં આવેલા 8 જેટલા યુવાનોએ જીવ જોખમે મૂકી ધૂમ સ્ટાઇલમાં પૂરપાટ ઝડપે વાહનો હંકારી 'કાવા' માર્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ પોલીસે તેની તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ યુવાનો માત્ર પોતાની જ નહીં, પણ અન્ય વાહનચાલકોની સુરક્ષા પણ જોખમમાં મૂકી અકસ્માતને નોતરી રહ્યા છે અને રીલ બનાવવાના ચક્કરમાં જાહેર માર્ગ પર જોખમી સાબિત થઇ રહ્યા છે.

રોજકોટ-જામનગર હાઇવે પર અવારનવાર બાઇક પર સ્ટંટ અને રેસના વિડીયો સામે આવતા હોય છે. નવા વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ચાર વાહનોમાં 8 યુવાનો એક સાથે રસ્તા પર જઈ રહ્યા છે અને પૂરપાટ ઝડપે વાહન હંકારી કાવા મારી રહ્યા છે.

વીડિયોમાં જોવા મળતા ચાર વાહનો પૈકી ત્રણ વાહનો (એક્સેસ) નંબર પ્લેટ વગરના છે, જેમાં ડબલ સવારીમાં યુવાનો છે. જ્યારે વીડિયો બનાવનાર વ્યક્તિ પોતે ચોથા એક બાઇકમાં પાછળ બેઠેલો છે. વીડિયોમાં વાહનની સ્પીડ 84થી લઇ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળી રહી છે, જે હાઇવે પર બેફામ ડ્રાઇવિંગનું ઉદાહરણ છે.

બાઇકમાં પાછળ બેઠેલા વ્યક્તિએ આ સ્ટંટનો વીડિયો બનાવીને રીલ બનાવી હતી, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. પોલીસે હવે આ વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે. જોકે, આ હાઇવે પર વારંવાર આવા સ્ટંટબાજોના વિડીયો સામે આવતા હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ રસ્તા પર પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ વધારીને આવા જોખમી ડ્રાઇવિંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.