રાજકોટ મનપાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો ફટકોઃ કદાવર નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુની રાજકીય સંન્યાસની જાહેરાત

કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 7 અલગ-અલગ કમિટીઓની રચના કરી હતી, પરંતુ તેમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુની અવગણના કરવામાં આવી હોવાથી નિર્ણય લીધાનું અનુમાન

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 07 Mar 2026 03:51 PM (IST)Updated: Sat, 07 Mar 2026 03:51 PM (IST)
rajkot-news-indranil-rajyaguru-left-out-as-congress-sets-up-7-panels-ahead-of-local-elections
HIGHLIGHTS
  • પૂર્વ ધારાસભ્યનો સક્રિય રાજકારણ અને સામાજિક પ્રસંગોથી અંતર જાળવવાનો નિર્ણય
  • જો કોંગ્રેસ પક્ષને ક્યારેય માનસિક કે આર્થિક મદદની જરૂર પડશે તો હું ચોક્કસ કરીશ: રાજ્યગુરુ

Rajkot: રાજકોટ મહાનગરપાલિકાની (RMC) ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી માટે 'સેન્સ' પ્રક્રિયા તેજ કરવામાં આવી છે, બરાબર તેજ સમયે રાજકોટ કોંગ્રેસના સૌથી મજબૂત અને પ્રભાવશાળી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અચાનક રાજકીય નિવૃત્તિ જાહેર કરતા રાજકીય આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, તેઓ હવેથી કોઈ પણ રાજકીય કે સામાજિક પ્રસંગોમાં હાજરી આપશે નહીં. જોકે, તેમણે પક્ષ પ્રત્યેની વફાદારી દર્શાવતા ઉમેર્યું કે, જો કોંગ્રેસ પક્ષને ક્યારેય માનસિક કે આર્થિક મદદની જરૂર પડશે તો હું ચોક્કસ કરીશ, પરંતુ જાહેરમાં કોઈ કાર્યક્રમ કે મંચ પર મારી હાજરી જોવા મળશે નહીં.

તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને 7 અલગ-અલગ કમિટીઓની રચના કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ હતી કે, આ એક પણ કમિટીમાં રાજકોટના આ કદાવર નેતાને સ્થાન આપવામાં આવ્યું નહોતું. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, આ અવગણના જ કદાચ તેમના આ આકરા નિર્ણય પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે.

8 વર્ષ પહેલા રાજકોટ પશ્ચિમ બેઠક પરથી તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડીને તેમણે ભારે ચર્ચા જગાવી હતી. તેઓ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા હતા, પરંતુ ટૂંક સમયમાં જ ઘરવાપસી કરી ફરી કોંગ્રેસમાં સક્રિય થયા હતા. રાજકોટ કોંગ્રેસમાં આર્થિક અને સામાજિક રીતે ઇન્દ્રનીલ રાજ્યગુરુનો મોટો પ્રભાવ માનવામાં આવે છે.

એક તરફ ભાજપ અને અન્ય પક્ષો ચૂંટણી માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ઇન્દ્રનીલ જેવા મજબૂત નેતાનું સક્રિય રાજકારણમાંથી ખસી જવું એ કોંગ્રેસ માટે ચૂંટણી ટાણે 'મોટો ફટકો' સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે, કોંગ્રેસના મોવડી મંડળ તેમને મનાવવામાં સફળ રહે છે કે પછી રાજકોટમાં કોંગ્રેસ નવા નેતૃત્વ સાથે મેદાને ઉતરશે.