Rajkot Ahir Samaj Protest: સરકારી રેકોર્ડમાં જાતિ વિસંગતતાના કારણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રથી વંચિત રહેલા મજોકઠા આહીર સમાજે હવે પોતાના બંધારણીય અધિકારો મેળવવા માટે લડત તેજ કરી છે. સમાજ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને પત્ર પાઠવીને 30 દિવસમાં પ્રશ્નનો ઉકેલ લાવવા માગ કરી છે. જો નિયત સમયમાં ઉકેલ નહીં આવે તો આગામી 28 ડિસેમ્બરના રોજ રાજકોટમાં 'ધર્મ પરિવર્તન કૂચ' યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ઐતિહાસિક અન્યાય અને જાતિ વિસંગતતાનો વિવાદ
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, આશરે સાડા ચારસો વર્ષ પહેલાં મુઘલ બાદશાહના દબાણ સામે ધર્મ પરિવર્તન ન સ્વીકારતાં આહીરોના પૂર્વજોને કેદ કરીને સજા રૂપે હજામતનું કામ સોંપવામાં આવ્યું હતું. જેના પગલે સરકારી રેકોર્ડમાં 'આહીર હજામ' કે 'આહીર વાણંદ' તરીકે નોંધ થઈ હતી. વર્ષ 1990માં જૂનાગઢ ખાતે મળેલા સમાજના સંમેલનમાં સરકારી રેકોર્ડમાં ફક્ત 'આહીર' લખવાનો ઠરાવ થયો હતો.
આ કારણોસર વાલીઓના 01-04-1978 પહેલાના રેકોર્ડમાં 'આહીર હજામ/વાણંદ' અને બાળકોના રેકોર્ડમાં 'આહીર' લખાતાં સર્જાયેલી જાતિ વિસંગતતાના કારણે નવી પેઢીને ઓબીસી પ્રમાણપત્ર મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
નોકરીઓ ગુમાવવાનો વારો આવ્યો
ઓબીસી પ્રમાણપત્ર ન મળવાના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને સરકારી નોકરીમાં પસંદગી પામેલા સમાજના યુવા-યુવતીઓએ નોકરી ગુમાવવી પડી હોવાના દાખલા સામે આવ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સ અને મહાનગરપાલિકાના ક્લાર્ક વર્ગ-3 જેવા ઉમેદવારો આ અન્યાયનો ભોગ બન્યા હોવાનું જણાવાયું છે. અન્ય પછાત વર્ગોના પંચ દ્વારા આ અંગે ઐતિહાસિક પુરાવા, બારોટના ચોપડા અને દસ્તાવેજો ચકાસીને 'આહીર હજામ' એ મૂળ આહીર જ હોવાનો અહેવાલ સોંપવામાં આવ્યો હતો.
મજોકઠા આહીર સમાજે સ્પષ્ટ ચેતવણી આપી
પંચે હયાત યાદીમાં "મજોકઠા આહીર" શબ્દ પર્યાયવાચી તરીકે ઉમેરવા સરકારમાં સ્પષ્ટ ભલામણ કરી હોવા છતાં યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. માનવ અધિકાર આયોગમાં થયેલી સુનાવણી બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થતાં સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મજોકઠા આહીર સમાજે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો 30 દિવસની અંદર સરકાર કક્ષાએથી ન્યાયપૂર્ણ આદેશ કરવામાં નહીં આવે, તો આગામી 28 ડિસેમ્બરના રોજ સવારે 10 કલાકે જ્યુબિલી ગાર્ડનથી કલેક્ટર કચેરી સુધી વિધિવત ધર્મ પરિવર્તન ફોર્મ સાથે 'ધર્મ પરિવર્તન કૂચ' યોજવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીને પણ રજૂઆત મોકલી આપવામાં આવી છે.
