Rajkot News: રાજકોટ શહેરમાં થોડા દિવસો અગાઉ થયેલી સનસનાટીભરી લૂંટ અને હત્યાની ઘટનાને લઈને રાજકોટ પોલીસે એક રેકોર્ડબ્રેક અને સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ઘટનાની ગંભીરતાને જોઈને રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા દ્વારા કુલ 15 વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓ તેમજ રાજસ્થાન પોલીસના સહયોગથી પોલીસે માત્ર 6 થી 7 કલાકના ટૂંકા સમયગાળામાં 10 આરોપીઓને દબોચી લીધા છે અને લૂંટાયેલો સમગ્ર મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે સંયુક્ત પોલીસ કમિશનર (JCP) ચૈત્ય મંડલીકે પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ખુલાસો કર્યો હતો.
રાજસ્થાનથી 10 આરોપીઓની ધરપકડ
જેસીપી ચૈત્ય મંડલીકના જણાવ્યા અનુસાર, આજીડેમ વિસ્તારમાં બે દિવસ પહેલાં લૂંટ અને મર્ડરની એક મોટી ઘટના સામે આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન-1 ની ટીમો કામે લાગી હતી. આ ઓપરેશનમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ રાજસ્થાનના ઉદયપુર અને સિરોહી જિલ્લાના પોલીસ સંકલનથી મોટા પાયે તપાસ હાથ ધરવામાં આવી હતી.
આરોપીઓએ કર્યું હતુ લૂંટનું પ્લાનિંગ
પોલીસે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય કાવતરાખોરો, ફાયરિંગ કરનાર શખ્સ તેમજ ટીપ આપનાર તમામ 10 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ વિસ્તારના રહેવાસી છે અને એકબીજાની પૂર્વ પરિચયમાં જ હતા. આગામી દિવાળીના તહેવારો અને નાણાકીય જરૂરિયાતોને કારણે આ લોકોએ છેલ્લા 5-6 મહિનાથી આ મોટી લૂંટને અંજામ આપવાનું પ્લાનિંગ કર્યું હતું.
મુખ્ય આરોપીની શું છે ભૂમિકા?
આ લૂંટના ગુનામાં સંડોવાયેલા શખ્સો પૈકી 'શૈલેષ સિંહ' નામનો આરોપી 'તન્વી ગોલ્ડ' નામની પેઢીમાં નોકરી કરતો હતો. આ ઉપરાંત, અશ્વિની સિંહ ઉર્ફે લંકેશ પણ ૫-૬ મહિના અગાઉ તન્વી ગોલ્ડમાં નોકરી કરતો હતો, પરંતુ કોઈ કારણોસર તેને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો હતો. નોકરીમાંથી કાઢી મૂકવાના અદાવતમાં તેને આ લૂંટનું પ્લાનિંગ ઘડ્યું હતું. લંકેશને અગાઉથી જ ખબર હતી કે સોના-ચાંદીની મોટી હેરાફેરી અને કિંમતી મુદ્દામાલની લેવડદેવડ અહીં થાય છે.
ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત
યોજના મુજબ, અનુરાગ સિંહ નામના મુખ્ય આરોપીએ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. આ ફાયરિંગ બાદ આરોપીઓએ સોના-ચાંદીનો મુદ્દામાલ અન્ય ગાડીમાં ટ્રાન્સફર કરી દીધો હતો અને ત્યારબાદ તેઓ રાજસ્થાન તરફ નાસી છૂટ્યા હતા. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ગાડીના કલર, મેક અને મોડેલની વિગતો મેળવીને નાકાબંધી કરીને ગાડીઓ અને આરોપીઓને પકડી લીધા હતા.
આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત
પોલીસની 15 અલગ-અલગ ટીમોએ પિંડવાડામાંથી 4 આરોપીઓ અને એક કાર પકડી હતી. ઉદયપુર જિલ્લામાંથી 2 આરોપીઓ, મુર્બી જિલ્લાના સામાવાળી બોર્ડર પાસેથી 3 આરોપીઓ અને રાજકોટમાંથી 1 આરોપી એમ કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ સોના-ચાંદી અલગ-અલગ જગ્યાએ છુપાવ્યા હતા. કોઈએ પોતાના બૂટમાં તો કોઈએ કારની સીટ પાછળ સોના-ચાંદી છુપાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે કિયા સોનેટ સહિતની ગાડીઓમાંથી તમામ મુદ્દામાલ સુરક્ષિત રીતે રિકવર કરી લીધો છે.
પોલીસે વેપારીઓને કરી ખાસ અપીલ
પ્રેસ કોન્ફરન્સના અંતે જેસીપી ચૈત્ય મંડલીકે સોના-ચાંદીના વેપારીઓને વિશેષ અપીલ કરતા જણાવ્યું હતું કે, જ્યારે પણ મોટો કિંમતી મુદ્દામાલ ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે ઓછામાં ઓછી ફોર-વીલર ગાડીનો ઉપયોગ કરવો જોઈએ. કરોડો રૂપિયાનો મુદ્દામાલ મોકલતી વખતે સાથે બે-ત્રણ સશસ્ત્ર સુરક્ષાકર્મીઓ રાખવા અનિવાર્ય છે, જેથી માનવહાની અને મોટી દુર્ઘટનાઓ ટાળી શકાય. સુરક્ષા એજન્સીઓ અને સિક્યુરિટી ગાર્ડ રાખતી વખતે પણ તેમની પૂર્વભૂમિકા, હથિયાર પરવાનો અને સતર્કતાની પૂરતી ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે.
