અમદાવાદમાં લગ્નથી લઈને કોર્પોરેટ ઈવેન્ટ સુધી કોર્પોરેશનના કૉમ્યુનિટી હોલ-પાર્ટી પ્લોટનો ક્રેઝ, 7 મહિનામાં AMCને રૂ.13.81 કરોડની આવક

અમદાવાદના 7 ઝોનમાં 95 કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ઑપન એર થિયેટર ઉપલબ્ધ. નવા અંદાજપત્ર 2026-27 માં 15 કરોડનાં ખર્ચે નવા 5 ઓપન પાર્ટી પ્લોટ્સ બનાવવાની જોગવાઈ મંજૂર

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 07 Mar 2026 07:00 AM (IST)Updated: Sat, 07 Mar 2026 07:00 AM (IST)
amc-community-halls-in-ahmedabad-see-7458-bookings-earn-rs-13-81-crore-during-wedding-season
HIGHLIGHTS
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરીજનો માટે સસ્તા દરે સુવિધા
  • 1 ઓગસ્ટ 2025 થી 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન કુલ 7,458 કાર્યક્રમોનું બુકિંગ થયું

Ahmedabad: અમદાવાદમાં લગ્ન અને વિવિધ સામાજિક કાર્યક્રમોની સીઝન દરમિયાન ખાનગી પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલના વધતા ભાડા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંચાલિત લગ્ન હોલ, કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ શહેરવાસીઓ માટે વિશ્વસનીય અને આર્થિક રીતે સુલભ વિકલ્પ બની રહ્યા છે.

1 ઓગસ્ટ 2025 થી 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન કુલ 7,458 કાર્યક્રમોની બુકિંગ નોંધાતા AMC ને રૂ.13,81,60,037 ની આવક પ્રાપ્ત થઈ છે, જે આ સુવિધાઓની વધતી લોકપ્રિયતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.

AMC દ્વારા શહેરના ઉત્તર, મધ્ય, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ એમ સાત ઝોનમાં AMC દ્વારા કુલ 95 કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ઓડિટોરીયમ, પીકનીક હાઉસ અને ઓપન એર થિયેટર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેમાંથી હાલ 82 સુવિધાઓ કાર્યરત છે, જ્યારે 13 સ્થળોએ નવીનીકરણની કામગીરી પ્રગતિમાં છે.

નાગરિકોને રૂ.5,000 થી રૂ.70,000 સુધીના રાહત દરે સુવ્યવસ્થિત માળખા સાથે આ હોલ અને પ્લોટ ઉપલબ્ધ થવાથી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને નોંધપાત્ર આર્થિક રાહત મળી રહી છે.

naidunia_image

આ કોમ્યુનિટી હોલ, હોલ અને પાર્ટી પ્લોટનો ઉપયોગ લગ્ન, રિસેપ્શન, ધાર્મિક કાર્યક્રમો, સામાજિક સેમિનાર, બેઠકો, ડિસ્ટ્રિબ્યુશન ગેટ-ટુ-ગેધર, સામાજિક ગેટ-ટુગેધર, શાળા-શૈક્ષણિક પ્રવૃત્તિઓ, બેસણા, જન્મદિવસ સમારંભ, કિટી પાર્ટી, કોર્પોરેટ મીટિંગ, પ્રદર્શનો (એક્ઝિબિશન) સહિત વિવિધ હેતુઓ માટે વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે છે.

ઝોન પ્રમાણે આંકડા દર્શાવે છે કે, તારીખ 1 ઑગસ્ટ 2025થી 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હેઠળ શહેરના કુલ સાત ઝોનમાં આવેલાં પાર્ટી પ્લોટ્સ અને કોમ્યુનિટી હોલ્સમાંથી નોંધપાત્ર આવક પ્રાપ્ત થઈ છે.

naidunia_image

મધ્ય ઝોનમાં આવેલાં 11 પાર્ટી પ્લોટ્સ તથા કોમ્યુનિટી હોલ્સમાં કુલ 744 બુકિંગ નોંધાયા હતા, જેનાથી AMCને રૂ. 65,38,750/- ની આવક થઈ છે. આ ઉપરાંત પૂર્વ ઝોનમાં પાર્ટી પ્લોટ્સ, કોમ્યુનિટી હોલ્સ, કોન્ફરન્સ રૂમ, બેન્ક્વેટ હોલ્સ અને ઓડિટોરિયમ સહિત કુલ 18 સ્થળો ઉપલબ્ધ છે, જ્યાંથી 678 બુકિંગ થકી રૂ. 1,25,60,125/- ની આવક નોંધાઈ છે.

ઉત્તર પશ્ચિમ ઝોનમાં કુલ 9 બેન્ક્વેટ હોલ, પાર્ટી પ્લોટ્સ અને કોમ્યુનિટી હોલ્સમાં 931 કાર્યક્રમોની બુકિંગથી AMCને રૂ. 3,15,05,250/- ની આવક થઈ છે. તેમજ ઉત્તર ઝોનનાં કુલ 14 પાર્ટી પ્લોટ્સ, અને હોલમાંથી કુલ 1238 કાર્યક્રમોની બૂકિંગ થઇ અને રૂ. 1,98,77,700/- ની આવક થઈ છે.

naidunia_image

દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 06 કોમ્યુનિટી હોલ્સ અને પાર્ટી પ્લોટ્સમાંથી 498 બુકિંગ દ્વારા રૂ. 1,43,06750/- ની આવક નોંધાઈ છે. દક્ષિણ ઝોનમાં આવેલાં 18 પાર્ટી પ્લોટ્સ, ઓડિટોરિયમ અને કોમ્યુનિટી હોલ્સમાં છેલ્લા સાત મહિનામાં 1,674 બુકિંગ નોંધાયા, જેમાંથી રૂ.2,48,80,150/- ની આવક થઈ છે.

જ્યારે પશ્ચિમ ઝોનમાં આવેલા 19 કોમ્યુનિટી હોલ્સ અને પાર્ટી પ્લોટ્સમાં 1,695 બુકિંગ થકી રૂ.2,84,91,312/- ની આવક પ્રાપ્ત થઈ છે. આમ, શહેરના કુલ સાત ઝોનમાં 7,458 કાર્યક્રમોની નોંધણી થઇ જેમાં લગ્ન સમારંભો ઉપરાંત વિવિધ સામાજિક, ધાર્મિક અને વ્યવસાયિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે અને તમામ ઝોનમાંથી AMCને કુલ રૂ.13,81,60,037/- ની આવક પ્રાપ્ત થઈ હોવાનું નોંધાયું છે.

naidunia_image

શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યાપક રીતે ફેલાયેલા AMC સંચાલિત હોલ, કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટના કારણે નાગરિકોને પોતાના નજીકના વિસ્તારમાં જ કાર્યક્રમો આયોજિત કરવાની સુવિધા મળે છે. ખાનગી વ્યવસ્થાઓની તુલનામાં ઓછી ફી, પારદર્શક બુકિંગ પ્રક્રિયા, સ્વચ્છતા અને વિશ્વસનીય વ્યવસ્થાના કારણે નાગરિકોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ સુવિધાઓ પ્રત્યે વિશ્વાસ સતત વધતો જઈ રહ્યો છે અને આ કોમ્યુનિટી હોલ અને પાર્ટી હોલ જાહેર જનતા માટે લોકપ્રિય બની રહ્યા છે.

આમ લગ્ન સિઝનમાં પાર્ટી પ્લોટની વધતી માંગ વચ્ચે AMCના રાહત દરે ઉપલબ્ધ સ્થળો સામાન્ય પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે. એટલું જ નહીં, શહેરમાં સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો સુવ્યવસ્થિત રીતે યોજાઈ શકે અને દરેક વર્ગને સમાન તક મળે તે દિશામાં AMCની આ પહેલ મહત્વપૂર્ણ અને લોકકેન્દ્રિત પગલું સાબિત થઈ રહી છે.

નવા અંદાજપત્ર 2026-27 માં 15 કરોડનાં ખર્ચે નવા 5 ઓપન પાર્ટી પ્લોટ્સ બનાવવાની જોગવાઈ મંજૂર (AMC Community Hall)

આ ઉપરાંત બજેટ-2026-27માં વધુ 5 નવા આધુનિક ઓપન પાર્ટી પ્લોટ રૂ. 15 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવશે. શહેરના ભૌગોલિક વિસ્તારમાં થયેલા વિસ્તરણ અને વસ્તીમાં થયેલા નોંધપાત્ર વધારાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે બજેટ 2026માં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

naidunia_image

અમદાવાદનો વિસ્તાર વધીને હવે 480.88 ચોરસ કિલોમીટર થયો છે, ત્યારે સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક પ્રસંગોની ઉજવણી માટે શહેરના બોપલ, કઠવાડા, ચિલોડા, નિકોલ અને લાંભા વિસ્તારોમાં નવા આધુનિક ઓપન પાર્ટી પ્લોટ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે અંદાજપત્રમાં રૂ. 15 કરોડની રકમ ફાળવવાનો ઠરાવ પસાર કરાયો છે.

આ નવા પાર્ટી પ્લોટ્સમાં રસોઈઘર, આધુનિક ચુલા, આકર્ષક રોશની (લાઈટિંગ) અને ભવ્ય પ્રવેશદ્વાર જેવી તમામ અદ્યતન સુવિધાઓથી સજ્જ હશે, જેથી મધ્યમ અને સામાન્ય વર્ગના નાગરિકોને તેમના પ્રસંગોની ઉજવણી માટે વધુ વિકલ્પો મળી રહેશે.