Ahmedabad Book Festival 2026: અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026માં આ વખતે પુસ્તકોની દુનિયાની સાથે ગુજરાતી સાહિત્ય, કવિતા, ગઝલ, હાસ્ય, લોકનાટ્ય, ભજન અને દેશભક્તિ સંગીતના કાર્યક્રમો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. 24 ઑક્ટોબરથી 1 નવેમ્બર, 2026 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા ફેસ્ટિવલમાં જાણીતા કવિઓ, સાહિત્યકારો, સંગીતકારો, ગઝલકારો અને કલાકારો વિવિધ વિષય આધારિત કાર્યક્રમોમાં ભાગ લેશે. ફેસ્ટિવલના કાર્યક્રમોની યાદી અનુસાર, દરરોજ સાંજે મુખ્ય મંચ પર વિશેષ રજૂઆતો યોજાશે, જેમાં ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના વિવિધ રંગો જોવા મળશે.
નિરંજન ભગતની જન્મજયંતિ નિમિત્તે કવિ સંમેલન
ફેસ્ટિવલના પ્રથમ દિવસે, 24 ઑક્ટોબરે, કવિ નિરંજન ભગતની 100મી જન્મજયંતિ નિમિત્તે તેમને સમર્પિત કવિ સંમેલન યોજાશે. નિરંજન ભગત જાણીતા કવિ, વિવેચક અને અનુવાદક હતા તથા તેમને 1999માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ કાર્યક્રમમાં કૃષ્ણ દવે, માધવ રામાનુજ, તુષાર શુક્લ, સંજુ વાળા અને વિનોદ જોશી સહિતના કવિઓ ભાગ લેશે. આ ઉપરાંત મુકેશ જોશી, તેજસ દવે, પારુલ બારોટ અને હરદ્વાર ગોસ્વામીનાં નામ પણ કાર્યક્રમની યાદીમાં સામેલ છે. કવિઓની આ મહેફિલમાં નિરંજન ભગતના સાહિત્યિક યોગદાનને યાદ કરવામાં આવશે.
દિવંગત સંગીતકાર ગૌરાંગ વ્યાસને સૂરાંજલી અપાશે
25 ઑક્ટોબરે ‘રિવરફ્રન્ટ રિટ્રીટ’ કાર્યક્રમમાં જય થડેશ્વર, ડૉ. નિમિત ઓઝા, ડૉ. પ્રશાંત ભીમાણી અને ધ્વનિત ઠાકર પુસ્તકો, વિચારો અને અમદાવાદની વિશિષ્ટ ઓળખ અંગે સંવાદ કરશે. નદીના વહેણની જેમ વિચારો અને અનુભવોને વહેંચવાના હેતુથી આ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.
26 ઑક્ટોબરે ‘શબ્દસિમ્ફની’ કાર્યક્રમમાં દિવંગત સંગીતકાર ગૌરાંગ વ્યાસની અવિસ્મરણીય રચનાઓને સંગીતમય સૂરાંજલિ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રહર વોરા, ગાર્ગી વોરા, સંપદા વોરા અને મેઘ મહેતા રજૂઆત કરશે, જ્યારે જીવંત સંગીત સાથે કાર્યક્રમને વિશેષ સ્વરૂપ આપવામાં આવશે. કવિ તુષાર શુક્લ ગૌરાંગ વ્યાસના સંગીતક્ષેત્રમાં યોગદાન અંગે વાત કરશે અને તુષાર જોશી કાર્યક્રમનું સંચાલન કરશે.
27-28 ઓક્ટોબરે કયા કાર્યક્રમો
27 ઑક્ટોબરે તુલસીપત્ર ફાઉન્ડેશન દ્વારા ‘જિથરો ભાભો’ નામનું ગુજરાતી લોકહાસ્ય નાટક રજૂ કરવામાં આવશે. સૌરાષ્ટ્રની લોકકથાઓ પરથી પ્રેરિત આ રજૂઆતમાં વ્યંગ્ય, પરંપરા અને વાર્તાકથનનો સમન્વય જોવા મળશે. આ કાર્યક્રમ ચંદ્રવદન મહેતાની જન્મશતાબ્દી નિમિત્તે તેમને અર્પણ કરવામાં આવ્યો છે.
28 ઑક્ટોબરે ઓસમાણ મીર અને આમીર મીર દ્વારા ‘ભજનક્લબિંગ’ કાર્યક્રમમાં પરંપરાગત ભજનોને નવા, ઊર્જાસભર અંદાજમાં રજૂ કરવામાં આવશે. લોકસંગીત અને ફોક-રોકની શૈલીના સમન્વયથી તૈયાર કરવામાં આવેલો આ કાર્યક્રમ વિવિધ પેઢીના શ્રોતાઓને ભક્તિસંગીત સાથે જોડવાનો પ્રયાસ કરશે.
હાસ્યરંગ કાર્યક્રમમાં હાસ્યપ્રસ્તુતિનો રંગ
29 ઑક્ટોબરે ‘હાસ્યરંગ’ કાર્યક્રમમાં ગુજરાતી હાસ્યસાહિત્ય અને હાસ્યપ્રસ્તુતિનો રંગ જામશે. વિનોદ ભટ્ટની હાસ્યપરંપરાની ભાવનાને અનુરૂપ આ કાર્યક્રમમાં ભાગ્યેશ ઝા, શાહબુદ્દીન રાઠોડ અને સુખદેવ ધામેલિયા પોતાના હળવા-ફૂલકા કિસ્સાઓ, ધારદાર અવલોકનો અને રમૂજી રજૂઆતો દ્વારા શ્રોતાઓને હસાવશે. 30 ઑક્ટોબરે ‘સાહિત્ય મને ગમે છે’
કાર્યક્રમમાં દૈનિક જીવનમાં સાહિત્યનું મહત્ત્વ, વાંચનની વ્યક્તિગત સફર અને જીવનને ઘડનારા પુસ્તકો અંગે સંવાદ યોજાશે. આ કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલા, વસંત ગઢવી, અરવિંદ બારોટ અને રામ મોરી ભાગ લેશે. વાચકોને સાહિત્ય સાથે જોડતા અનુભવો અને મનગમતા શબ્દો અંગેની ચર્ચા આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે.
ગઝલ મહેફિલમાં ગઝલકારો રચનાઓ રજૂ કરશે
31 ઑક્ટોબરે ગઝલની મહેફિલ યોજાશે, જેમાં ગુજરાતના જાણીતા ગઝલકારો પોતાની રચનાઓ રજૂ કરશે. આ કાર્યક્રમમાં હર્ષ બ્રહ્મભટ્ટ, રાજેન્દ્ર શુક્લ, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, અનિલ ચાવડા, ભાવેશ ભટ્ટ, મધુ પટેલ, ચંદ્રેશ મકવાણા, કુણાલ શાહ, શૌનક જોશી, લવ સિંહા, માધવ આસ્તિક, અનંત રાઠોડ અને મનીષ પાઠક ભાગ લેશે. ગઝલ, શેર અને લાગણીઓથી ભરપૂર આ કાર્યક્રમમાં ગુજરાતી ગઝલસાહિત્યની વિવિધતા રજૂ થશે.
ફેસ્ટિવલના અંતિમ દિવસે, 1 નવેમ્બરે, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ કાર્યક્રમ દ્વારા દેશભક્તિ ગીતોની રજૂઆત સાથે ફેસ્ટિવલનું સમાપન થશે. આ કાર્યક્રમમાં ડૉ. રઈશ મનીઆર, વિશ્વનાથ બટુંગે, સ્વરિત કેલકર અને વિભાવરી યાદવ ભાગ લેશે. દેશની આઝાદી, બલિદાન અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને ઉજાગર કરતાં ગીતો સાથે નવ દિવસીય ફેસ્ટિવલને સંગીતમય વિદાય આપવામાં આવશે.
24 ઑક્ટોબરથી 1 નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં 24 ઑક્ટોબરથી 1 નવેમ્બર સુધી દરરોજ સવારે 11થી રાત્રે 10 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે કાર્યક્રમો યોજાશે. મુખ્ય મંચ પર દર્શાવાયેલા મોટા ભાગના વિશેષ કાર્યક્રમો સાંજે 7:30થી રાત્રે 10 વાગ્યા સુધી રાખવામાં આવ્યા છે, જ્યારે 25 ઑક્ટોબરનો ‘રિવરફ્રન્ટ રિટ્રીટ’ કાર્યક્રમ સાંજે 7થી રાત્રે 10 વાગ્યા સુધી યોજાશે. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારો આ ફેસ્ટિવલ પુસ્તકપ્રેમીઓ અને સાહિત્યરસિકો માટે વાંચન સાથે સંગીત, કલા, હાસ્ય અને ગુજરાતી સંસ્કૃતિનો અનુભવ કરવાની તક પૂરી પાડશે.
